૬
‘મા, ઓ મા, ક્યાં છો તમે ?’
માછીમારના ઝૂંપડા પાસે ઊભો ઊભો દેવવ્રત સાદ દેતો હતો. ‘મા, જલદી કરો. પિતાજીની તબિયત ખરાબ છે.’ તમને યાદ કરે છે. હું તમને લેવા આવ્યો છું, મા ઉતાવળા થાવ.’
કેટલીય વાર દેવવ્રત સાદ દેતા જ રહ્યો, પણ ઝૂંપડામાંથી કોઈ ડોકાતું જ ન હતું. દેવવ્રત ઝૂંપડામાં જવા ઇચ્છતો ન હતો.
શાન્તનુની તબિયત દિવસો થયા લથડતી જતી હોવાથી દેવવ્રતની ચિંતા વધી પડી હતી. પિતાની માંદગી આમ તો વૈદના જણાવ્યા પ્રમાણે નરી નજરે દેખાય તેવી ત હતી. કોઈ માનસિક આઘાતની અસર તેમના દેહ પર જણાતી હતી. આ માનસિક આઘાત વિષે જાણવા મંત્રીની સાથે તે પણ ઘણા ઘણા પ્રયત્નો કરતો હતો, પણ શાન્તનુ મત્સ્યગંધા વિષે કાંઈ કહેવા ઈચ્છતો ન હતો.
પણ મંત્રીના ઘણા પ્રયત્નો પછી શાન્તનુએ માછીમારની દીકરી મત્સ્યગંધાના પ્રેમમાં હોવાની અને મત્સ્યગંધાને પામવાની ઇચ્છા વ્યક્ત કરી. ત્યારે મંત્રી પણ થોડીક ક્ષણો શાન્તનુની વાસનાની તીવ્રતા જોતાં મનમાં સમસમી રહ્યો હતો.
શાન્તનુએ માછીમાર સાથેની વાત પણ કરી. દેવવ્રતના હક્કનો છેદ ઉડાડી મત્સ્યગંધાના દીકરાને ગાદીપતિ બનાવવાની વાતનો સ્વીકાર કરવા પોતે તૈયાર નથી તે પણ સ્પષ્ટપણે જણાવી દીધું.