મંત્રી પોતે પણ માછીમાર પાસેથી નિરાશ થઈને પાછો ફર્યો હતો. દેવવ્રત પ્રશ્ન કરતો, ‘કહો તો ખરા, પિતાજીની મનોવ્યથા શાને આભારી છે?’
‘જાણીને શું કરશો યુવરાજ ?’
‘એનો ઉપચાર કરીશ.’
‘એ શક્ય નથી.’
‘શક્ય ન હોય તોપણ હું પ્રયત્ન કરીશ.’
‘પણ તમારા હક્કનો નાશ નોતરે એવી હકીકત છે. મહારાજાની મનોવ્યથા પણ તમારા હક્કની રક્ષા કાજે છે.’
‘મારા હક્કની મને ચિંંતા નથી. પિતાજીની તબિયત સુધરી જતી હોય તો પિતાજીને કહી દો કે, દેવવ્રત તેના હક્ક છોડી દેવા તૈયાર છે.’
‘તો. તમે ગાદી પરનો હક્ક છોડી દેવા તૈયાર થશો ખરા ?’ મંત્રી વિસ્મયતાથી દેવવ્રત સામે જોતાં પૂછી રહ્યો.
‘જરૂર, જો પિતાજીની મનોવ્યથાનો અંત આવતો હોય તો ગાદીની મને કોઈ જરૂર નથી.’ દેવવ્રત મક્કમતાથી કહેતો હતો ને પછી સહજભાવે પૂછ્યું, ‘પિતાજી ગાદીનો હક કોને દેવા માગે છે? મારે બીજો કોઈ ભાઈ તો છે નહિ. પછી ?’
દેવવ્રતની મક્કમતા જોઈ મંત્રી પણ મૂંઝાતો હતો. પણ હવે દેવવ્રત સમક્ષ બધી જ હકીકત સ્પષ્ટ કર્યાં સિવાય મંત્રી માટે બીજો માર્ગ પણ ન હતો. માછીમાર તેની વાતમાં નમતું જોખવા તૈયાર ન હતો. એટલે મંત્રીએ શાન્તનુના માછીમારની દીકરી મત્સ્યગંધા સાથેના પ્રેમની વાત કરી ને ઉમેર્યું, ‘માછીમારની શરત ભારે છે. તેનો સ્વીકાર મહારાજા પોતે કરવા તૈયાર નથી.’
‘શા માટે તૈયાર નથી ? પિતાની જિંદગી કરતાં માછીમારની માંગણીનું મહત્ત્વ વધુ છે શું?’
‘હા, માછીમારની માંગણીનું મહત્ત્વ ઘણું છે ને મહારાજા