હવે અટકાવવાનું પણ સરળ ન હતું.
દેવવ્રતે દૃઢતાપૂર્વક પૂછ્યું, ‘મારા હક્ક ખાતર શા માટે મારા પિતા આટલા દુઃખી થાય ? તેમના પ્રેમ અને મમતાનું શું આવું જ પરિણામ આવ્યું…?’ ને ઉત્તેજિત સ્વરે કહ્યું, ‘ના, ના, મારા પિતાના પ્રેમ અને મમતાને ખાતર પણ મારે મારો હક્કને છોડી દેવો જોઈએ.’ તેણે માછીમાર વિષેની વિગતો મંત્રી પાસેથી મેળવી ને એકલો જ માછીમારના ઝૂંપડા પાસે પહોંચ્યો. ઝૂંપડાનું બારણું ખુલ્લું હતું. અંદરના ભાગમાં માછીમાર અને મત્સ્યગંધા હતાં.
શાન્તનુની તબિયત વિષેની જે માહિતી તેને મંત્રી દ્વારા પ્રાપ્ત થઈ હતી તેથી તે પણ ચિંતાતુર બની હતી. તે પોતે તેના બાપને સમજાવતી હતી. તેની મનોવેદના પણ અપાર હતી.
‘હું તમારી ઈચ્છા વિરુદ્ધ થઈને પણ મહારાજા પાસે પહોંચી જઈશ. મારા કારણે જ તેઓ પિડાતા હોય તો મારે તેમને પિડામુક્ત કરવા જ જોઈએ.’ મત્સ્યગંધા તેના પિતાને કહી રહી ને આક્રોશમય બની જતાં પૂછી રહી, ‘મારા દીકરા વિષે તમે શા માટે અત્યારથી ચિંતા કરો છો? તેનો બાપ તેની કાળજી નહિ લે?’
‘ખરું છે. દીકરી !’ મત્સ્યગંધાના આક્રોશને શાંત કરવા મથતા માછીમારે કહ્યું, ‘પણ તું જાણે છે કે તું માછીમારની દીકરી છે. મહારાજા જીવતા હશે ત્યાં સુધી તારાં માનપાન હશે, પણ મહારાજા ગત થયા પછી, તને – માછીમારની દીકરીને મહેલમાં કોઈ ઊભા રહેવા પણ નહિ દે એ ભૂલતી ના!’ માછીમાર સમજાવતો હતો. ‘એટલે જ મારે આવી શરત કરવી પડે છે. તારો દીકરો જ જો હસ્તિનાપુરનો રાજા હોય તો તારાં માનપાન પણ જળવાઈ રહે. રાજમાતા તરીકે તને સૌ માન પણ દે—’
‘મારે રાજમાતા થવું નથી. મારે તો મારા કારણે બિછાનાવશ થયેલા મારા સ્વામીની જિંદગી બચાવવી છે.’ મસ્ત્યગંધાની