પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


મૂકવાં એ પણ મૂંઝવણવાળું કામ છે. હું સમેટવા માંડું."

"પણ આપણે એકલાં નહીં, ડૉક્ટર દંપતી પણ ભેગાં."

"તારું આજનું વેન પણ ભારી વિચિત્ર છે, અમા ! હં, તને આજે કોઈક યાદ આવ્યું લાગે છે."

પોતે પણ ચિંતામગ્ન બની ચાલ્યો ગયો. આ રંગીલા બર્મીઓની રંચ પણ ઉદાસી તેને અસહ્ય થઈ પડતી. સાત આગલી ને સાત પાછલી પેઢીઓની ફિકર વેઠતા, પરિગ્રહ-પુંજના બળદિયા જેવા, પલપલ રળવા સિવાય બીજા કોઈ નાદને ન ઓળખતા ને પોઢતી વેળા પણ ઓશીકે ને છાતીએ સટ્ટાના ટેલિફોનો ગોઠવતા ગુજરાતીઓને તો આનંદ કે ખુશમિજાજીનો ઈશ્વરી ઇન્કાર છે; એમને એકેય વાતની કમીના નહીં હોય તો ખુદ આનંદોત્સવની અંદરથી પણ કંઈ ને કંઈ કંકાસ ઊભો કરશે; પણ આ બ્રહ્મદેશી પ્રજાના પંખી-શા હળવાફૂલ પ્રાણ પર કેમ આવાં આત્મપીડન ઉદ્ભવવા લાગ્યાં ? નૃત્યમૂર્તિ નીમ્યા કેમ વિચારભરે અકળાવા લાગી? સારી સૃષ્ટિ રતુભાઈને ચકડોળે ચડતી જણાઈ.

કારણ કે નીમ્યા ઉદાસ બની હતી!


૨૩

લગ્નના બજારમાં


"ઓહોહો ! ભાઈ, આજકાલ તો તમારા ભાવ બહુ પુછાવા લાગ્યા છે." ડૉ. નૌતમે રતુભાઈને સત્કારતાં ખબર આપ્યાં: "આપણાં મનસુખલાલ અને એનાં પત્ની મા-ત્વે બે વાર તો આંટા ખાઈ ગયાં. કહો, હવે શો વિચાર છે!"

"શાનો?"

"એના જમાઈ બનવાનો."