ડૉ. નૌતમ પોતાના ઘરની પરસાળ પરથી ઉલ્લાસભરી નજરે એ શહેરની રોનક નિહાળી રહ્યા હતા. એણે ઘરમાં હળવો સાદ કર્યો "હાથણી ! જલદી અહીં આવ !"
જવાબમાં અંદરનું દ્વાર ઉઘાડીને જે હાજર થઈ તે સાચે જ માનવ-હાથણી હતી. એ એની પત્ની હેમકુંવર હતી. એનો દેહ ભરાવદાર હતો. એના હાથ બે સૂંઢની શોભા આપતા હતા. પતિએ એને બાજુએ ઉભાડીને નીચેના માર્ગો-ગલીઓનું દૃશ્ય દેખાડ્યું. પાણી, રેલમછેલ નિર્મળ પાણી, સુગંધવતી પૃથ્વી, અને ત્રીજી આનંદપ્રેમી માનવ-પ્રજા. એ ત્રણેયની ત્યાં સહક્રીડા મચી ગઈ હતી.
આખા બ્રહ્મદેશમાં આજે 'તઘુલા'નો ઉત્સવ હતો. તઘુલા એટલે બેસતા વર્ષના પ્રથમ માસ ચૈત્રમાં વરુણદેવનું આવાહન-પર્વ. એ પર્વની જબાન છે પાણી. પ્રજા જળરૂપે પોકારી જળદેવને તેડાં કરે, 'ચ્વાબા, ફયા ! ચ્વાબા !' 'પધારો, દેવ ! પધારો.'
ગઈ કાલની સાંજ સુધી બિલકુલ ખાલી, ફૂલો વગર અડવાં લાગતાં પઢાઉ વૃક્ષો એકાએક જાણે રાતમાં કોઈ વનદેવતાએ મઢી દીધાં હોય તેમ પીળાં, નાનાં સુવાસિત પુષ્પોએ લૂંબઝૂંબ બની ગયાં હતાં. બે કરોડ મનુષ્યોએ નક્કી કરેલા એ ઉત્સવના જ પ્રભાતે પઢાઉ[૧] ફૂલો કોણે મહેરાવ્યાં હતાં, તે અકળ વાત હતી. વર્ષોવર્ષ માનવી અને પ્રકૃતિ વચ્ચે
- ↑ 'તાંઝઉ' પણ કહે છે