પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
24
તધીન્જો

શતમુખી મા ઇરાવદીના, દેશભરમાં પથરાયેલા અસંખ્ય ખોળાઓમાં કાર્તિમી પૂર્ણિમાનાં કલાયુક્ત ફાનસો હજારો મોઢે તરતાં મૂકાયાં હતાં. આ સંસાર-સરિતામાં તરતા કોટિ કોટિ જીવન-પ્રદીપોનું અહીં કેમ જાણે મૃત્યુલોકનાં શાણાં માનવીએ ઉપમા-જગત સરજાવ્યું હોય ને ! નીચે અગાધ ઊંડાણભર્યું ને અનંત વમળો ઘુમરાવતું ડહોળું ને આછું જગત હતું. તેને સંતાડતી, છલક છલક કલરવ ગાતી જળ-સપાટી હતી. દીપકો નાના હતા. સપાટીનો સ્વભાવ ઓલવવાનો હતો, દીપકોનો સંસ્કાર જલવાનો હતો. સપાટી દગલબાજ નહોતી, દીપકો એને હૈયે રમવા આવ્યા. સપાટીએ મૃદંગો બજાવ્યાં, દીપકોએ નૃત્ય દેખાડ્યું. સપાટી તિમિરવર્ણી હતી. દીપકો એના અંતર ઉપર તેજ રેલાવતા હતા.

નાચીને, તરીને અને તેજ રેલાવીને પછી સપાટીને ખોળે વિલય પામી જવું એમાં જ દીપકોની સંતૃપ્તિ હતી. અમરતા તેમણે ઈચ્છી નહોતી. તેમનાં રચનારાં અને તેમને તરતા મૂકનારાં પણ ચિરાયુને કાજે તલસતાં નહોતાં. આ સુંદરતાને પોતાની ક્ષણભંગુરતાની ખબર હતી. પણ એના તો ઘડી-બે ઘડીના જલસામાં જ કેટલાં જોબન, કેટલી આવરદા, કેટલી અમરતા છુપાયાં હતાં ! એકાદ પલ આનંદે રમીને અને અખિલ વિશ્વની સુંદરતામાં એકાદ કણ સૌન્દર્યનો ઉમેરી આપીને પછી સ્વીકારી લેવાતો વિલય સેંકડો અનંતતાઓ કરતાં પણ વધુ મધુર હતો.

નીમ્યા પણ, એક હાથે કાંઉલેને દોરતી, ને બીજા હાથમાં પોતાનું રચેલું, ચિત્રવંતુ, નારંગી રંગનું ફાનસ લઈને નદી તરફ ચાલી જતી હતી. દીવાઓનું જળનૃત્ય નિહાળીને નીમ્યાનો પ્રાણદીપક પણ છંદાયમાન બનતો ગયો, એના પગમાં ફના (ચંપલ)ના રૂમઝુમાટનો સંચાર થયો. એની કમ્મર દોલાયમાન બની. કાગળના ફાનસને કરપલ્લવમાં ડાબે ખભે પૂજન-થાળની અદાથી અધ્ધર ધારણ કરીને નીમ્યા નર્તને ચડી.