પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રટણ નહીં. અને રાતે બસ ધા લઈને આવે ધમરોળવા."

"આપણેય, શેઠ! ટબ્યા નપ્યા (પૈસા રૂપિયા) વગર આ લોકોની કઈ વઢાણી પર મૂતર્યા છીએ? યાદ તો કરો."

"હવે તમે પાછા, ભાઈસા'બ! બળતામાં ઘી હોમો છો, હો ડૉક્ટર! છેલ્લી ઘડીએ આ ભમરાળો દેશ છોડતાંય તમારાં મહેણાં મટ્યાં નહીં!"

"ત્યારે પછી હવે એનો દેશ છોડતી વેળા છેલ્લી ઘડીએ એનાં જ વગોણાં કરશું!"

"ખાસું. ચાલો, કાનની બૂટ પકડી. હવે, આ શું તમારો કાફલો? આ છોકરું..."

"દેવનાં દીધેલ."

"અરે રંગ! જાતાં જાતાંય આ દેશનો પાણીફેર વસૂલ કરતા જાઓ છો ને શું? ત્યારે તો પછે આ દેશનું વાંકું શેના બોલો, મારા ભાઈ! તમારું કામ તો બેવડે દોરે છે."

"પણ શાંતિભાઈ શેઠ!"નૌતમે કહ્યું, "તમે કેમ ચૂપ છો?"

"સહજ જ. અમારું એક ગાડું નથી આવ્યું."

"હવે છોડોને ગાડાવાળી, શેઠ!" શામજી શેઠ ખીલ્યા હતા. "હવે તો સુગલ ઉડાવો; જીવતા આવ્યા તેનો આનંદ માણો. તમારી છાતી પર તો ગાડું જ ચડી ગયું છે. ગાડામાં હતું શું! જાવા દ્યો ને જહાનમમાં. સમજો ને કે ગાડેથી જ પત્યું. નજરોનજર નથી જોયું? -કૉલેરામાં ટપોટપ માણસો પડતાં'તાં, મા સગા દીકરાને ડચકાં ખાતો મૂકીને ચાલી નીકળી'તી. ને આપણાં ગાડાં મુડદાંને માથે થઈને ચાલતાં હતાં."

"આપણે જરાક છેટા જઈએ." ડૉ. નૌતમને પત્ની તેમ જ શારદુનાં નબળાં મગજ પર ભયાનક છાપ પડવાની બીક લાગી.

"મારું તો ભાઈ, એવું કે મને ઈ બધાં મડદાંફડદાં દેખી ચીતરી ન ચડે. કંઈક જોઈ નાખ્યાં. આ શાંતિભાઈ શેઠ કાંઈક સુગાળવા ખરા ! જ્યાં એવું આવતું ત્યાં ઊંધું જ ચાલી જતા. હું તો ગાડાના પૈડાં હેટળ મડદાં ચેપાતાં જોઉં તોયે..."