પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ડૉ. નૌતમે પણ્ આવી વાતોથી મોં ફેરવી લીધું હતું. દૂરથી રતુભાઈ એક ડોળી અને ચાર ઉઠાવનારાઓ લઈને આવતા હતા. એ નજીક આવતાં શામજી શેઠની નજરમાં ઓળખાઈ ગયા ને પોતે ગંભીર બનીને બોલ્યા: "ઓહો! આ ભાઈ પણ તમારી ભેગા છે ને શું! ઠીક ત્યારે લ્યો, ડૉક્ટર! હવે તો આપણે વળી ક્યાંક આગળ ભેટી જશું. અમારે તો ગાડાની વાટ જોવી પડશે."

એમ કહીને એણે ને શાંતિદાસ શેઠે ચાલતી પકડી. રતુભાઈનો તેમને ખરેખર ભય લાગ્યો. ગોરા સાહેબ પોતાનો સામાન નાંગા લંગોટીદારોના શિર પર ઉપડાવીને ડૉ. નૌતમના પડાવ પર હાજર થયા. જોડે બે બાળકો હતાં તેને હેમકુંવરબહેને હેત કરી પોતાની પાસે બોલાવ્યાં, કાજુ વગેરે સૂકો મેવો આપ્યો. ગોરી કન્યા હેમકુંવરબહેનની નવી બાલિકાને તેડવા પણ લાગી. તેમનો બધો પડાવ એક રાત્રિ માટે સાથે થઈ ગયો.

પરોઢિયે તેમનું પહાડ-પરિયાણ શરૂ થયું. પગપાળાં બધાં પહાડ ચડવા લાગ્યાં. ડૉ. નૌતમે નાની છોકરીને લીધી. બાબલો ચારેક વર્ષનો ચાલવા લાગ્યો. એ દૃશ્ય દયામણું હતું. એને ગોરા સાહેબે પોતાને ખંધોલે ચડાવી લીધો. સુવાવડાં હેમકુંવરબહેન પગ ઠેરવતાં ચાલ્યા. શારદુની ડોળી અને રતુભાઈ આગળ નીકળી ગયાં હતાં.

અરુણોદય થતો હતો ત્યારે ડોળીવાળાઓના પહેલા વિસામે રતુભાઈએ ઊભા રહી, પહાડ પરથી પાછળ રહી જતા મુલક પર મીટ માંડી. બ્રહ્મદેશનું છેલ્લું દ્વાર છૂટતું હતું.

શતમુખી મા ઇરાવદીના કનકમય ફાંટા સુવર્ણના લિસોટા જેવા જાણે હજુ દૂર દૂર દેખાતા હતા. ફયાનાં ઊંચાં શિખરો ચમકતાં હતાં. બુદ્ધની વામણી અને વિરાટ પ્રતિમાઓ, બેઠેલી અને સૂતેલી દેવમૂર્તિઓ, હજુ નયનોમાં રમતી હતી.

એ એંજી, લુંગી અને અંબોડામાં પુષ્પો મઢતી નારીઓ ફરી દેખાવાની નહોતી. નીમ્યા અને મા-હ્‍લાની મધુર વાણી અને સોનાંકાકીનાં