શરીરને સદાસર્વદા મહેકાવતો તનાખા-લેપ, કાન અને નાકને હજુ ભરતાં હતાં.
એ સર્વ ગયું શું? સ્વપ્નમાં જ જોવું રહ્યું શું? વિશ્વસંગ્રામ વિરમે તે પછી પણ બ્રહ્મદેશમાં જવાનું કોણ જાણે ક્યારે થશે?
મીઠાંબોલાં માનવીઓ સાંભર્યાં ને અંતર વલોવાઈ ગયું.
નીમ્યાનો કાંઉલે મને શોધતો હશે!
દડ-દડ-દડ આંખો વહેવા લાગી. આંસુનાં ટીપાં પર સૂર્યકિરણો પડ્યાં.
હે દિવાકર દેવ! તમે તાજા જ કાંઈ સમાચાર લાવો છો બ્રહ્મદેશના! આગનાં પ્રલયપૂર ક્યાં સુધી પહોંચ્યાં? એ સંહારનાં સ્ત્રોતમાં નીમ્યા, કાંઉલે ને મા-હ્લા સલામત છે?
તેમનાં શરીરોને તો ઘરના કે પરના લૂંટારા સ્પર્શ્યા નથી ને?
અતિસ્નેહ પાપાશંકી બન્યો. આશંકાના ઓઘ ઊછળ્યા. કંઈક થયું હશે તો! નીમ્યાના દેહ પર જાલિમોનાં હળ ચાલ્યાં હશે તો? તો હું શું મોઢું લઈને ઘેર જીવતો રહીશ?
મા-હ્લા શું કરતી હશે? શારદુને વળાવતી એની આંખો મેં રાત્રિએ જોઈ હતી. એણે મારી સામે માત્ર મીટ જ માંડીને કહેવાનું કહી નાખ્યું હતુ. આટલી વહાલી નણંદને વળાવીને મા-હ્લા ઊભી થઈ રહી; હવે કોઈ દિન કાગળ, તાર સંદેશો કાંઈ કરતાં કાંઈ જ નહીં આવે-જાય!
જાણે પાતાળમાં પુરાઈ ગયાં. ઉપર ભમ્મરિયાં પાણી ફરી વળ્યાં. બડબડિયાં બોલી બંધ પડ્યાં. ત્યાંવાળાં ત્યાં-આંહીંવાળાં આંહીં! શારદુની ડોળી તરફ પીઠ વાળીને જ એ ઊભો હતો.
શુદ્ધ બ્રહ્મદેશી અદાથી રતુભાઈ ઘૂંટણિયે પડ્યો. ને એણે માથું ઢાળી છેક ધરતીને કપાળ અડકાડ્યું. એણે પુકાર્યું:
"મને સાત વર્ષ સંઘરનારી, હે વસુંધરા! હે અન્નપૂર્ણા! વિચાર માત્રથી પણ મેં તારા અવગુણ જોયા હોય, તો માનજે કે પેટના બાળકે ખોળો બગાડ્યો છે.