પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કોઠીઓ પોતાનો પ્રયોગ પૂરો કરીને આ કમોદના પુંજેપુંજને સ્ટીમપ્લેટ પર સોંપી દેતી. આ પ્લેટોને નીચેના ભંડારિયાંમાંથી વરાળ લાગતી, ઉપર કમોદ સુકાતી. કમોદને ઊલટસૂલટ, ફેરવ ફેરવ કરવાનું 'હળવામાં હળવું' કામ હેમ, હીરા ને પુષ્પો પફ-પાઉદરની ભોગી બ્રહ્મી નારીઓ કરતી.

હળવામાં હળવું ! રતુભાઈ જ્યારે ત્યાં પ્રવેશ કરતો ત્યારે માંડ બેત્રણ મિનિટ ઊભો રહી શકતો. એના આખા શરીરે લાય ઊઠતી, આંખે અંધારાં આવતાં, એ દોડીને બહાર નીકળી જતો.

હળવામાં હળવું ! બર્મી મજૂરણોની અક્કેક બૅચ એ પ્લેટ પર પંદર મિનિટથી વધુ ઊભી રહી શકતી નહીં. પંદર મિનિટ તો કાયદાએ ઠરાવેલ હતી. પા કલાક કમોદ હલાવીને એ બૅચ બહાર નીકળી આવે અને બીજી બૅચ હલાવવા જાય. પા કલાકની પાળી.

રતુભાઈ બહાર આવે છે ત્યાં તો બુમારાણ કરતો કૂંડી પરનો ઊડિયો મિસ્ત્રી દોડી આવે છે: "બાબુજી બાબુજી ! મા-પૂ કૂંડીમેં ગિર પડી."

"હેં!"રતુભાઈનો સ્વર ફાટી ગયો.

"હા, કઠોડો તૂટ્યો ને મા-પૂ અંદર જઈ પડી."

રતુભઆઈ દોડ્યો, બાઈને બહાર કાઢી હતી. પણ એ એકલું ખોળિયું હતું. કમોદ ભેળી એ માનવકાયા પણ બફાઈ ગઈ હતી. કમોદ અને માનવીનું શરીર, બેમાં શો ફરક છે ! ફરક તો આપણે પાડ્યા છે.

પણ ના, ફરક મોટો છે. કમોદ પર તો બેતાળીસ કલાકના સંસ્કાર થયેય એનું કવચ ભેદાતું નથી. પછી વરાળકોઠીમાં બફાયેલ પણ એનું જરીક જેટલું માથું જ ફોતરીમાંથી બહાર દેખાય છે.

ઉપરાંત, કમોદના દાણાને તો બાલ હોતું નથી ના?

મા-પૂનો દેહ બફાયેલો પડ્યો હતો ત્યારે એનું બાળક પણ ઘોડિયામાં રડતું હતું.

મિલમાં દાક્તર નહોતો, કારણ કે કાયદો એ ફરજ પાડતો નહોતો.