બજાર સાવ નજીક હતી. એક ઝવેરી બ્લૉકની પછવાડે જ ઢો-સ્વેની દુકાન્ હતી. ત્યાં દુકાને બેસતી નીમ્યા વારંવાર આ હેમકુમંવરબેનના રાભડા બાળકને તેડી લઈ જવા લાગી.
દુકાને દુકાને બેસતી બ્રહ્મી યુવતીઓ આ બાળકને દેખે કે તુરત 'કાંઉલે તૈલ્હારે !' (કેવો રૂપાળો બાળક !)નાં રટણ કરવા લાગે. એકબીજી બાળકની ઝૂંટાઝૂંટ કરે, અને બાળક પાછો ઘેર આવે ત્યારે એના ગળામાં કાં તો સોનાની એકાદ ચેઇન પડી હોય, કાં એના કાંડામાં એકાદ કડું પડ્યું હોય. રમકડાંનો તો પાર ન રહે.
એક દિવસ તો હેમકુંવરબહેનનું હૈયું અધ્ધર આકાશે ચડી ગયું. બાબલાને લઈને નીમ્યા કોણ જાણે ક્યાં ચડી ગઈ. ગોતાગોત થઇ પડી. પત્તો મળે નહી. નીમ્યાને આટલા વખતથી ઓળખવા છતાં બાબલાની બાનો જૂનો ભય પાછો જીવતો થયો. છોકરાને ભરખ્યો હશે આ કામરૂ ત્રિયાએ ? કે ઢાંઉ (મોરલો) બનાવી દીધો હશે ? કે શું એનો જીવ બર્મીઓના પ્યારા પશું સીં(હાથી)ના ખોળિયામાં મૂકી દીધો હશે ? હાય રે, પોપટ બનાવીને પાંજરામાં તો નહીં પૂરી દીધો હોય !
ડો. નૌતમની મોટરે દોટાદોટ મચાવી મૂકી, મોટર નદીકિનારા ખૂંદી વળી.
નીમ્યા તે વખતે બાબલાને લઈને એક ફ્યા-ચાંઉમાં (મઠમાં) પેઠી હતી. એક ફુંગી પાસે એ બાબલાના સાથળ પર છૂંદણું મંતરાવવા મથતી હતી.
"ફયા !" એણે વિનંતી કરી, "આને મારા મામાને હતું તેવું બિલાડીનું જ છૂંદણું પાડી દેજો હો !"
"તારા મામા કોણ ?"
"સયા સાન થારાવાડીવાળા -"
નીમ્યાએ આ નામ લેતાં જ ફુંગી ચમકી ઊઠ્યા. એણે કહ્યું : "બાઇ, તું જા અહીંથી."
"કેમ ? એ છૂંદણાના પ્રભાવથી તો મારા મામા સયા સાન