પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છક થઈ જાય."

"ચાલો જલદી. બેસો ઝટ અહીં, હવે બરાબર ધ્યાન રાખો. ઓ.કે. પાડી લીધી. બસ ઊઠો." બર્મી ફોટોગ્રાફરે લબડધબડ કામ પતાવ્યું.

"શું ધૂળ ઓ.કે. !" નીમ્યા છેડાઇ પડી. "હજૂ તો છોકરાને સરખો બેસાડ્યો પણ્ નથી, હજુ હું પૂરી તૈયાર પણ થઇ નથી, ત્યાં બસ ઓ.કે. ! તમે રોયા બર્મી ફોટોગ્રાફરો તે છબી પાડો છો, કે મશ્કરી કરો છો ?"

એવા પાંચ-પચીસ બોલ પકડાવીને નીમ્યા બાબલાને લઈ ત્યાંથી સીધી પહોંચી જાપાની ફોટોગ્રાફર પાસે.

લળી લળીને મીઠા આદરબોલ ઉચ્ચારતા જાપાની સ્ટુડિયોવાળાએ શાંતિથી નીમ્યાની અને બાળકની બરદાસ્ત માંડી. પ્રથમ તો એણે બાબલાના હાથમાં બિસ્કિટ પકડાવી દીધી. પછી એણે નીમ્યાની સામે અનેક 'પોઝ'ના નમૂના મૂકીને વિનયથી પૂછ્યું : "આમાંથી તમને કયો પોઝ ગમશે ?" પછી એની પાસે અનેક પ્રકારનાં વસ્ત્રો-પોશાકો પાથર્યાં. "કહો, આમાંથી કોઈ એક પોશાક પહેરીને પડાવશો ?" "આ બેઠક ગમશે ?" "આ ઝાડનાં કૂંડાં મૂકું?" "લ્યો, આ રમકડાં એના ખોળામાં મૂકો." "વાહ રે ! માને બાળક બેઉ કેવાં સુંદર છે ! આવાં મા-બાળક તો ભાગ્યે જ અમને બરદાસ્ત કરવા મળે છે," વગેરે વગેરે.

પોતે મા ને આ પોતાનું બાળક, એ વાતનો તો નીમ્યાને મીઠો નશો ચડ્યો. પોતે આની મા નથી એટલું કહેવાનું પણ એને મન ન થયું. સાચી માસ્વરૂપ બની જઈને જ એણે જુદા જુદા પોઝ પડાવ્યા અને જ્યારે એ ડૉ. નૌતમને ઘેર ગઈ ત્યારે હર્ષઘેલી બની હતી. પણ હેમકુંવરબહેને એના હર્ષનો કેફ બેચાર શબ્દોમાં જ ઉડાડી મૂક્યો.

તે વખતે તો નીમ્યા ક્ષમા માગીને ચાલી ગઈ, પણ વળતા દિવસે એણે જાપાની ફોટોગ્રાફર પાસેથી તસવીરો લાવીને હેમકુંવરબહેનને ઝંખવાણાં પાડી દીધાં.

"હું તમને કહું છું ને !" નીમ્યા બકવા લાગી : "કે અમારા બરમા ફોટોગ્રાફરો તો રદ્દી છે રદ્દી. આ જાપાની લોકો ખરેખર અમારા મિત્રો છે.