પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એક આપમેળે શીખેલું નાજુક કટિનૃત્ય હતું. પદ્મશ્રીની કમ્મર તાલે તાલે ને સૂરે સૂરે પોતાના પાતળિયા લોક પાસે જાણે કે છંદો ગવરાવી રહી હતી. કોળીમાં આવી જાય તેટલી જ એ કેડ્યમાં માનવીએ મહાગ્રંથો ભરી આપે તેટલી બધી કરામત કોણ જાણે ક્યારે છુપાવી રાખી હતી.

પદ્મ પાસે આવ્યું અને હેમકુંવરબહેને હર્ષનાદ કર્યો, "અરે, અરે, આ તો આપણી નીમ્યા. અરે વાહ રે વાહ, નીમ્યા!"

પદ્મમાં નૃત્ય કરતી નીમ્યાની અને હેમકુંવરબહેનનની ચાર આંખો ભેળી થઈ અને પદ્મ-ગાડી પસાર થઈ ગયા પછી હેમકુંવરે પતિને કહ્યું "કહો ન કહો, પણ આ બાઈની આંખોમાં પોતે નાચે છે તેટલો ભારોભાર ઉલ્લાસ નથી."

"જોયું નહીં !" દાક્તરે કહ્યું, "નીમ્યા હવે માતા થવાને માર્ગે જણાય છે."

"તો તો થાકીને લોથ થવાની."

"તેનું બ્રહ્મીને શું ! આજનો લહાવો લીજિયે રે, કાલ કોણે દીઠી છે!"

"માળાં નાનાં બાળકો જેવાં."

"બસ, તેં બરાબર કહ્યું. આ બ્રહ્મી પ્રજા એની મધુર મુગ્ધ બાલ્યાવસ્થા જ વિતાવી રહી છે. અને ખોટુંય શું છે?"

"પણ એ અવસ્થા ઊતરશે ત્યારે શું થશે, દાક્તર ?"

"આપણે પરદેશીઓ કદાચ એ બાળાપણનો વહેલો અંત આણી દેશું. આ નિર્દોષતા લાંબી નહીં ટકે. આપણે એનું સુખ-સોણલું ઉડાડી મૂકશું!"

"એટલે શું?"

"એટલે રતુભાઈ રોજ કહે છે તે. એમને - એ બ્રહ્મીઓને - હવે ભાન થવા લાગ્યું છે કે તેઓ ભીંસાય છે. તેઓને કોઈક છેતરી રહેલ છે. અને તેઓની ભૂમિને કોઈક પરાયાં શોધી રહેલ છે."

તે જ વખતે છાપું આવ્યું. અને ડૉ. નૌતમે મોટાં મથાળાં વાંચ્યાં.