પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


'બર્મા ફોર ધી બર્મીઝ : બર્મા બર્મીઓનું જ બનશે ! બર્મી મજૂરોની સાથે હિંદી મજૂરોની મેલી હરિફાઈ. આ મજૂરીનું પ્રમાણ નક્કી કરવા બ્રહ્મદેશીઓનો પુકાર' વગેરે વગેરે.


13
'મખાં નાંઈ બૂ'

ઉત્સવ પૂરો થયો હતો. ફુંગીના શબને અગ્નિસંસ્કાર થઈ ચૂક્યો હતો. સગર્ભા નીમ્યા મચ્છીનો મોટો ટોપલો ઉપાડી બજારે જઈ વેચવા બેઠી અને નોકરીવિહોણા એના ધણી માંઉ-પૂએ બે જ મહિના વાપરેલ રેશમી લુંગી, કોટ તથા ઘડિયાળ સાથે લઇ, જૂનાં વસ્ત્રો પહેરી, અપાઉં-શૉપ (પૉન-શૉપ)નો રસ્તો પકડ્યો.

અપાઉં-શૉપ એટલે ચીનાઓના હાથનો બ્રહ્મદેશનો ધીખતો ધંધો. ઠેર ઠેર એ દુકાનો ચાલતી હતી. માઉં-પૂએ ત્યાં પહોંચી એ ત્રણેય ચીજો પાણીને મૂલે ગીરો મૂકી. બાકી રહી હતી એક વીંટી. સોનાની એ વીંટી પાછા પોતાના મૂળ ધણી શાંતિદાસ શેઠની દુકાને ચાલી અને એના કાંટામાં જઈ પડી.

"એ તોલું નહીં, સમજતો જ નથી !" મુખ્ય મહેતાજીએ દુકાનના નવા પલોટાતા એક કાઠિયાવાડી જુવાનને આ વીંટીનું વજન કરતો ટોક્યો.

"ત્યારે ?"

"તોલો નહીં, ટીકલ લે, અને ઓલી ચણોઠિયું લે."

"પણ આપણે એને વેચેલ ત્યારે તો તોલાથી તોલ કરી આપેલ છે."

"હવે ભાઈ, વેદિયો થા મા ને ! દુકાનની રસમ પ્રમાણે કર ને."

"પણ તોલો જોખેલ તે ટીકલે પાછું તોળું? એને નુકસાન કરું?" જુવાન ચિડાયો.