પૃષ્ઠ:Prachin Kavya Vinod.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પાંચ વીરે પ્રદક્ષિણા કીધી, ચર્ણોદક શિર ધરિયાં,
નારદજી! તહ્મો ભલે પધાર્યા, અર્ધપાધ્ય રાય કરિયાં.

સ્વામી! સધળે ગમ તહ્મારી, સ્વર્ગ મૃત્યુ પાતાલ,
આવી સભા કહીં નયણે નિરખી, કહોજી મુજ કૃપાલ.

વચન સૂણી નારદ એમ બોલિયા, સુણો યુધિષ્ઠિર રાય,
સકળ સભા મે નયણે નિરખી, સાંભળ કહું મહિમાય.

વૈકુંઠ ને બ્રહ્માસન સરખું, રુદ્ર તણું કૈલાસ.
ઈન્દ્ર ચન્દ્ર રવિ-ધર્મસભા જોઈ, ત્યાં તમ કુળનો નિવાસ.

શેષ નાગની સભા જોઈ ત્યાં, મણિમય રચના કહેવાણી,
(પણ) આ સભા સમ તુલ્ય ન આવે, મારી દ્રષ્ટ ભરાણી.

વળતા ધર્મ વદે મુખ વાણી, અમ પિતૃ જ યમપૂર માંહ્ય,
તો જીવતવ્ય તે ધિક્ અહ્મારું, સ્વામી! ત્યાંથી કેમ મૂકાય.

કહે નારદ પિતાને પૂછો, તમ સુતને શું કહીએ,
(એક) રાજસૂય જો યજ્ઞ કરો તો, હરિ શરણાગત જઈએ.

રાજસૂયની રચના જોવા, સુર નર મુનિ જન આવે,
દ્વારકાથી કૃષ્ણ પધારે તો, અપાર રુડું ભાવે.

એમ કહી રુષિ નારદ વળિયા, પામ્યા અંતરધ્યાન,
વૈશંપાયન એણી પેરે બોલ્યા, સૂણ જનમેજય રાજન!

સ્મરણ માત્રે પાંડવ કને આવ્યા, રાજસૂય યજ્ઞ કરાવ્યા,
ભીમ, અર્જુન નકુલ ને સહદેવ, દશે દિશ જિતી આવ્યા.

કાર્ય તો પરિપૂર્ણ કીધું, શ્રી કૃષ્ણ તણે પ્રતાપ,
તે પાંડવ કહો કિમ્ દુઃખ પામ્યા? કોણ ઉપન્યૂં પાપ?