પૃષ્ઠ:Pratimao.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
124
પ્રતિમાઓ
 

આંક ફેરવવાનો નહીં, પણ કારકુની કરતા મુફલિસ એ જુવાનને એક બીજું સંતાન બક્ષિસ કરવાનો. અઢી-ત્રણ વર્ષનું તો એ પણ થઈ ગયું હતું. મા તાણીખેંચીને સહુનાં પેટ પૂરતી હતી. નાના નાના કજિયા પ્રજ્જવલતા હતા અને પાછા આ બાળકની બાલ-ક્રીડાના શીતળ વાતાવરણમાં ઓલવાઈ પણ જતા હતા. સ્ત્રી પોતાના ભાઈઓ પાસેથી છૂપી સહાય મગાવી લેતી હતી ને ઘરવ્યવહાર ચલાવ્યે જતી.

દિવાળીનો તહેવાર આવ્યો. ઘરની બારીમાં ઊભાં રહીને બેઉં બાળકો બાપુની વાટ જોતાં હતાં. ટ્રામો, મોટરગાડીઓ, ઘોડાગાડીઓ, બાઈસિકલો અને લોકોનાં ટોળેટોળાં, એ તમામની ભીડાભીડમાં થઈને માર્ગ કરતો પિતા આવતો દેખાયો. ફટાકડા, રમકડાં, મીઠાઈનો ટોપલો, નવાં કપડાંનું પોટલું, એવી એવી ચીજોથી લાદેલો માનવ-ખટારો જાણે ચાલ્યો આવતો હતો. ભીડાભીડમાં એ અથડાતો હતો. મોટરનાં ભૂંગળાં એની કારકુનગીરી ઉપર ભયાનક હાસ્ય કરતાં હતાં. પગપાળા ચાલનારાઓ હમેશાં જગતની ગતિને વિઘ્નરૂપ છે એ વાતનું વારંવાર ઉગ્ર સ્મરણ કરાવતી આ મોટરોનો અંત નહોતો.

“બાપુ ! એ બાપુ !" ઊંચી બારીમાંથી નાના બાળકે અવાજ દીધો.

મોટરની દોડતી દીવાલ આડેધી બાપુએ હાથ ઊંચા કર્યા.

પણ નાના બાળકને ફટાકડા ફોડવાથી અધીરાઈ આવી હતી. એણે બાપુની સામે દોટ દીધી. ‘એ બા...૫..' એટલો શબ્દ એના મોંમાં અધૂરો હતો, ત્યાં એક મોટરગાડી એને ઝપટમાં લઈને ચગદી ચાલી ગઈ. અધૂરા ઉચ્ચારમાં હજુ હ્રસ્વ ‘ઉ' ઉમેરવાનું બાકી જ હોય એ રીતે એ બે સુંવાળા. હોઠ અધ-ઉઘાડા રહી ગયા હતા.

ત્યાં પણ ટોળું, હાજર હતું. લોકોની ઠઠ કેવળ ઓફિસમાં જ હતી એમ નહોતું. પિતા બાળકના શરીર પાસે પહોંચે તે પહેલાં તો ટોળાએ બાળકને ઘેરી લીધો હતો. જોઈ જોઈ, કોઈ અરેરાટ કરી, કોઈ ઈસ્પિતાલે લઈ જવાનું કહી, કોઈ મોટરમાં બેઠેલાં બૈરાં પોતાની ગાડીને નજીક લાવી 'પાણી લાવો જલદી !' એવી પરગજુ બૂમ પાડી, કોઈ 'કોનો છોકરો છે?