પૃષ્ઠ:Pratimao.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
168
પ્રતિમાઓ
 

માટે ભલા થઈને આ બબડાટ બંધ કરો. મારું માથું પકાવો મા!”

ધર્મગુરુએ આ દુરાત્માનું નરકધામ નક્કી કરી લઈ ત્યાંથી વિદાય લીધી.

કેદી એ માથાકૂટમાંથી છૂટીને તૈયાર થઈ બેઠો. આખી જેલ આજે મૌન સેવી રહી છે. સિપાઈઓ, દરોગાઓ સર્વનાં હૈયાં ગમગીન છે. અન્ય કેદીઓને કૂચકદમ કરાવી કામ પર લઈ જનારી સિસોટીઓ આજે ધીરી ધીરી ફૂંકાય છે. બે હજાર કદમોનો આઘાત ધરતી પર અત્યંત ધીમો પડે છે. અને એ આખા કારાગૃહના જીવતા જાગતા શોક સમો વૉર્ડન ભારે પગલે ફાંસી-ખોલીમાં પ્રવેશ કરે છે. બચ્ચાની તરંગમાં પેસે છે.

“બચ્ચા!” એણે ધીરેથી પૂછ્યું: “કંઈ આખરી ઇચ્છા?”

“હા સા'બ! આપ આપને હાથે જ મને એક બીડી પાઓ!”

વૉર્ડને દિવાસળી કરી, “બચ્ચાના મોં નજીક ધરી રાખી. 'બચ્ચા'એ એમાંથી બીડી ચેતાવી.

બીડીના ધુમાડાની આરપાર એ ચારેય આંખો સામસામી નિહાળી રહી. ધુમાડાનાં ગૂંચળાં ધીરે ધીરે ઊંચે ચડવા લાગ્યાં.

જેલના મિનારા ઉપરથી છેલ્લી ઝાલરના ડંકા પડ્યા.


વિદેશી ફિલ્મો પરથી લખેલી આવી જ વાર્તાઓનો

લેખકનો બીજો સંગ્રહ

પલકારા