પૃષ્ઠ:Pratimao.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
12
પ્રતિમાઓ
 


“બહેન, તારી કને કંઈ 'ખઉ ખઉ' છે?”

દાઈએ પોતાની કોથળી ફેંદી. તેમાંથી એક સકર-લકડી જડી આવી. સકર-લકડી સાચવીને માએ પોતાના ગજવામાં સંતાડી દીધી.

ઓફિસમાં જઈ એણે પોતાનું નામ આપ્યું. પુત્રને લઈ જવા માગણી કરી.

“બાઈ !” આશ્રમના મંત્રીએ જવાબ આપ્યો: “કાયદો તમને બાળક સુપરત કરવાની ના પાડે છે. તમે ભયાનક ગુના બદલ દસ વર્ષની કેદ ભોગવી આવ્યાં છો. બાળકને મેળવતાં પહેલાં તમારે તમારી ચાલચલગત, તમારી ચોક્કસ આવક વગેરેની ખાતરી આપવી પડશે.”

“તમારા એ કાયદાબાયદા જાય ચૂલામાં.” માએ કહ્યું: “મારે શી પડી છે એ કાયદાફાયદાની? મને મારો છોકરો આપો ને, એટલે બસ, મારા ભાઈ !”

મંત્રીએ આ પાગલીના પ્રલાપ સામે એક અક્કડ હાસ્ય કર્યું. માતા માંડ માંડ સમજી શકી કે કાયદાબાયદા તો ચૂલામાં નહીં જઈ શકે; કાયદો તો કોઈ પણ જનેતાના વહાલ કરતાં ચડિયાતો જ રહેવાનો.

પછી માતા ગરીબડી બની. એણે પૂછ્યું: “મારો છોકરો મારે જોવો છે."

મંત્રીએ માથું ખંજવાળ્યું. આવી બદચાલની ગુનાહિત ભયંકર ઓરતને છોકરા સાથે સમાગમ કરાવવામાં એણે કોઈ મહામારીના ચેપ જેટલો ભય અનુભવ્યો. માનું મોં જવાબની રાહ જોતું ફાટી રહ્યું હતું. કાયદાફાયદાની બેપરવાઈને બદલે એના ચહેરા પર અનાથતા ચડી બેઠી હતી. .

મંત્રીની બાજુમાં એક બીજો મનુષ્ય બેઠો હતો. એ આ વિદ્યાલયનો અધ્યાપક દાક્તર હતો. એણે પૂછ્યું: “તમારા દીકરાને મળ્યાં તમને કેટલો સમય થયો?”

"દસ વરસ અને બાર દિવસ.”