પૃષ્ઠ:Puratan Jyot.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંત દેવીદાસ
૩૫
 

પાંચ પતિયાં. અમરબાઈ એ પંગતમાં પોતાનું સ્થાન શોધતી હતી, પણ સ્થાન જડતું નહોતું. અમરબાઈને સંતે મૂંઝાતી જોઈ કહ્યું : “બેન, તારું ભાણું મેં પરસાળમાં પીરસી રાખ્યું છે.”

અમરબાઈ પરસાળમાં ચાલી ગઈ.

આરોગીને સહુ ઊઠ્યાં. રોગિષ્ઠોને પાછાં પોતપોતાની પથારીઓ પર પહોંચાડી દેવીદાસ પરસાળની કોર ઉપર એક થાંભલાને ટેકે બેઠા. સામે અમરબાઈ બેઠાં.

"બેન !” ધીરે સ્વરે સંતે સમજ પાડી : “પુરુષનો દેહ સડે તે એક વાત થઈ. પણ સ્ત્રીનું કલેવર હરિની પરમ કૃતિ છે. તારું મન હજી હરણના બાળની પ્રથમ પહેલી ફાળ ભરે છે. કોને ખબર, પહેલી ફાળ દેતાં પગ મચકાણો ! કોને ખબર છે તારા ભાવ સંસારને માર્ગે વળ્યા ! માટે બાઈ, વધુ નહીં, છ જ મહિના ઠેરી જા. અડધી સાલ તારી શુદ્ધિ સાચવ. પછી જો આ જગ્યાની પૃથ્વી સાથે તારો જીવ પરોવાઈ જાય તો ખુશીથી રોગિયાને ખેાળામાં રમાડજે. પણ હમણાં તો છ મહિના ઠહેરી જા.”

"ત્યાં સુધી શું કરું ?”

"ઝોળી લઈ ટે'લ કરીશ ?”

થોડી ઘડી અમરબાઈને થડકો લાગ્યો. જગ્યાની અંદર રહી રોગીની સેવા કરવી સહેલ હતી. ગામેગામ ભિક્ષા માગવા ભટકવું કઠિન હતું. જ્યાં જઈશ ત્યાં જગત આંગળી ચીંધશે : આયરની દીકરી, આયરની કુલવહુવારુ, બાવણ બની ગઈ ! અને જોબનની ગંધ ઉપર ભમરા બની જુવાનો પીછો લેશે. વળી માથા ઉપર પિયરનો તેમ જ સાસરિયાનો ભય તે તોળાઈ જ રહ્યો છે.

પણ બાવળનું લાકડું તો છીણીના જ ઘા માગે છે. સાદા કુહાડાનું પાનું એને નહીં ચીરી શકે.