પૃષ્ઠ:Puratan Jyot.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંત દેવીદાસ
૫૫
 

પાંદડાંના પડિયા સાથે લળી. થોરનું દૂધ એને લમણે ચોપડીને પોતે થોડી વાર સ્થિર ભાવે ઊભી રહી. સૂતેલા મહેમાનની આંખોમાં અબોલ લાચારી હતી. પછી અમરબાઈ એ ફરીથી કહ્યું : “હવે હું સૂવા જાઉં છું વીર ! ને જરૂર હોય તો મને સાદ કરી કહેજો કે, 'સત દેવીદાસ !' એટલે હું ભરનીંદરમાંય એ શબદ સાંભળીશ.” ચાલી જતી એ જુવાન વેરાગણનો શબ્દેશબ્દ એક્કેક તમાચા જેવો લાગ્યો.

પ્રભાતે અમરબાઈ જ્યારે જાગ્યા ત્યારે કાઠીરાજ અને એનો સાથી નાસી ગયા હતા.


[૧૧]

દેવીદાસજીને બહારવટિયા પકડી ગયા ? બહારવટિયાને શો કસ કાઢવાનો હોય ? અમરબાઈ ચિંતામાં પડ્યાં.

આ સંસારને તજ્યા પછી પણ પાછી નવી સ્વજનપ્રીતિ તો લાગી જ પડી હતી. દેવીદાસને એ પોતાના નવજન્મના પિતા જ નહીં, પણ માતાય ગણતી હતી. અમરબાઈને હંમેશાં એવું થતું કે પોતે દેવીદાસના ખોળામાં તાજું જન્મેલ એક બાળ રમે તે ભાવે રમે છે. આજ એનો પિતા ગુમ થયો હતો. નજીકમાં જ્યાં ચોકિયાતોનાં થાણાં હતાં ત્યાં જઈને એણે રાવ કરી કે મારા દેવીદાસ બાપુ ગુમ થયા છે.

"કોણ છે આ દેવીદાસ !” અધિકારીઓ તપાસ કરતા, "અરે આ તો પેલો દેવલો રબારી, બે છોકરાંનો બાપ બનીને પછી જગ્યા બાંધી બેઠો છે.”

વાત સાચી હતી. ગીરકાંઠાના મુંજિયાસર ગામમાં જીવો નામે રબારી રહેતો હતો. ગાય, ભેંસ, બકરાં, ગાડર અને ઊંટ : માલધારી ની એ પાંચેય લક્ષ્મી એની પાસે હતી. અઢારસોના સૈકામાં એકાશિયો કાળ પડતાં સામટાં ઢોરને ગામની આસપાસમાં ચારો પૂરો ન પડ્યો એટલે જીવો રબારી માલ