પૃષ્ઠ:Puratan Jyot.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંત દેવીદાસ
૫૭
 

ઝૂંપડી સન્મુખ વાવ્યું.

જે પ્રદેશમાં પશુધારીઓ વસે છે તે પ્રદેશમાં વરસાદ, છાંયડી તેમ જ વિશ્રામ આપનાર વૃક્ષને રોપવું એ પરમ ધર્મકિયા બરોબર લેખાતું. દેવાએ પોતાના કર્તવ્ય-જીવનનું મંગલ મુરત એક વૃક્ષારોપણ વડે કર્યું તે વસ્તુ મર્મની છે.

લોકસેવાની દીક્ષા ત્યારે દોહ્યલી હતી. હરેક યુગને એની પોતાની કસોટીઓ ને સાધનોની નીતિરીતિઓ હોય છે. તે કાળના સોરઠી યુગમાં દીક્ષિતોને માથે ગિરનારની સાત પરકમ્મા કરવાનો આદેશ હતો. દેવો રબારી પરકમ્માએ ઊપડ્યો.

અક્કેક પરકમ્મા પૂરી થયે એ ઝુંપડીએ આવીને એકાદ બે દિવસ રોકાતો. ફરી પાછો નીકળતો. પ્રત્યેક પ્રદક્ષિણાએ દેહને ચકાસ્યો. પચીસેક ગાઉની એક્કેક લાંબી મજલમાં પહાડની પ્રકૃતિએ એને ગેલ કરાવ્યાં તેમ જ ભયાનક અનુભવ કરાવ્યા. દેવો એકાંતનું બાળ બન્યો. દેવાએ વિકરાળ પશુઓથી બાંધવતા બાંધી. દેવાને અઢાર ભાર વનસ્પતિ જોડે કુટુંબભાવ બંધાયો. દેવાની દ્રષ્ટિમાં ગંભીરતાનાં અંજન આંજનારું અનંત આકાશ રાત્રીદિવસ એની જોડે રંગાની ભાષામાં વાતો કરતું હતું. એવી તો સાત પરકમ્માઓ દેવાઓ પૂરી કરી. સાતમી વાર, કહેવાય છે કે, લોહલંગરી નામના કોઈ સાધુએ પોતાની ઝોળીમાંથી રામરજનો પાસો કાઢીને દેવાને લલાટે તિલક કર્યું ને આદેશ દીધો કે 'દેવા ! દેવોના દાસ ! વાવડી ગામની હદમાં શ્રી દત્તાત્રેયનો ધૂણો છે, અને સંત જસા વલદાનની સમાત છે, ત્યાં જઈ જગ્યા બાંધજે, ને જગત જેને પાપિયાં ગણી ફેંકી દે છે, તેમને ટુકડો આપવો શરૂ કરજે.'

એ રીતે દેવાએ — દેવીદાસે — પરબ-વાવડીની જગ્યા સ્થાપી, અને અપરિગ્રહવત આચર્યું. કશો જ સંઘરો, સંચય કે