પૃષ્ઠ:Puratan Jyot.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮
પુરાતન જ્યોત
 


“કાલે મારી મશ્કરી થઈ. હું ઘરે નહોતો. માલ ચારવા અને તમને ગોતવા ડુંગરામાં ગયેલો. ઘેર પાછો જઈ તંગિયો બદલી નાખવા મારી સુરવાલ ઠેલ ઉપરથી લેવા ગયો. જોઉં છું તો સુરવાલની નાડીનું ફૂમતું ભીનું હતું. સહુને પૂછવા લાગ્યો કે મારી આવી મશ્કરી કોણે કરી છે? પણ કોઈ જવાબ ન આપે. આખરે એક નોકરે સાચી વાત કહી દીધી. ગામના એક રાજગરની વહુને આડું આવ્યું હતું. કોઈએ એને કહ્યું હશે કે મારી નાડી બાળીને પાણી પિવરાવવાથી આડું ભાગશે એટલે નાડી બોળીને રાજગર પાછું લઈ ગયો છે.

"મારી શરમનો પાર ન રહ્યો. મારી નાડી બોળ્યે આડાં ભાંગે એવો હું પવિત્ર ક્યાંથી? આડું નહીં ભાંગે તો મારી ફજેતીના ફાળકા થશે. હું તરવાર પેટ નાખવાનો સંકલ્પ કરીને ઓરડામાં પુરાઈ રહ્યો. અધરાતે ખબર મળ્યા કે રાજગરની બાઈને આડું ભાંગ્યું છે. ત્યારથી આખા ગામને મોંએ મારાં શીળનાં વખાણ થાય છે. પણ એ વખાણની દુનિયામાં મારે નથી રહેવું. કોઈક દિવસ કોઈકને આડું નહીં ભાંગે તો મારું મોત ઊભું થશે એમ સમજી હું ચાલ્યો આવેલ છું.”

“શાદુળ ખુમાણ !” સંતે એને સમજ પાડી : “આ તો રૂંવે રૂંવે ચેપ લગાડનારા રક્તપિત્ત રોગની જગ્યા છે. તમે અહીં શું કરશો ?”

"જે કહેશો તે. ટે'લ કરીશ.”

“ઉતાવળ તો નથી થતી ને ??

"નહીં રે નહીં. મારા પિતા આલા ખુમાણને મારાથી મેટેરા બે દીકરા વરાવેલા-પરણાવેલા છે. હું તો રઝળું છોકરો છું. મારા તરફનો પિતાને સંતોષ નથી. મેં ઘરસંસાર બાંધ્યા નથી, કે જેથી આજ માનવીઓનો માળો વીંખવાનો દોષ મારા પર આવી શકે. હું ફક્કડ છું. જગતથી પરવારેલો છું."