પૃષ્ઠ:Puratan Jyot.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંત દેવીદાસ
૮૧
 

ખાતરીને સારુ પોતે આજુબાજુ જોયું. દૂર એક ઘુવડ ઠૂંઠી આંબલી ઉપર બેસીને વનના હૃદયને પોતાના ઘુઘવાટથી ભેદતું હતું. ઉંદરને ખોળતી બિલાડી અંધારા ખૂણામાં આંખનાં રત્નો ઝબુકાવતી હતી. સારીયે સૃષ્ટિ પોતપોતાના કામમાં કે આરામમાં ગરકાવ હતી. જખ મારે છે જગત ! શાદુળ ભગતે કમાડની ચિરાડ સોંસરી નજર માંડી. બન્યું તેટલું જોર કર્યું. ચાંદરણાંનાં અજવાળામાં જોર કરી કરીને પણ માણસ કેટલુંક જોઈ શકે ? પૃથ્વી ઉપર એક પડછંદ દેહને શાદુળે લાંબો પડેલો દીઠો. પણ દેહનો આકાર, દેહના અવયવો, દેહના ચડઉતાર, દેહના વાંકઘોંક એને ન દેખાયા.

એટલે એણે કલ્પનાને કામે લગાડી. ઝાંખા દેખાતા એ ઢગલામાંથી કલ્પનાએ માનવ-કાયા કંડારી. ને પછી સ્ત્રીશરીરનું શિલ્પકામ કરવામાં એની કલ્પના તલ્લીન બની ગઈ.

આ બેચાર પળો તો બસ હતી. કલ્પનાએ ઝીણીમોટી તમામ નક્શી કરી નાખી. આંખોએ હવે બધું સ્પષ્ટ ભાળ્યું. આંખને જે જે કાંઈ જોવું હતું તે બધું જ કલ્પનાએ બતાવી દીધું. પછી તો એ કલ્પનાને સર્ર્જેલો નારીદેહ પોતાનાં વસ્ત્રોનીયે ખેવના શા માટે રાખે?

પ્રલયનાં નીર શાદુળના માથાની ટોચ લગી પહોંચી ગયાં. ગૂંગળાટ પરિપૂર્ણ થવાને હવે કશી જ વાર નહોતી.

એણે હળવે હળવે કમાડ પર ટકોરા દીધા.

જવાબમાં નસકોરાં જ સંભળાયાં. નાનાં બાળ જાણે કહી રહ્યાં હતાં કે, 'મા સૂતી છે.'

એણે કમાડની ચિરાડ વાટે અવાજ દીધેઃ “દેવી ! દેવી ! દેવી !”

કમાડ ઉપર પોતાના શરીરની ભીંસ વધી રહી છે એનો ખ્યાલ શાદુળને ન આવ્યો. એકાએક કમાડ ખસ્યું. જાહલ