પૃષ્ઠ:Purvalap.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


ઠંડો મીઠો કુમુદવનનો માતરિશ્વા વહે છે;
ક્રીડંતો જ્યાં તરલ અલકશ્રેણી સાથે રહે છે;
બાલાને એ વ્યજન કરતો દાખવે આભિજાત્ય,
પ્રેરે નૃત્યે પદ રસિકનો અગ્રણી દાક્ષિણાત્ય !

જેવી તરંગ શિખરે જલદેવી નાચે,
વક્ષઃસ્થળે શિશુ સમી ગણી સિંધુ રાચે;
અજ્ઞાત તેવું રમણીય નિહાળી લાસ્ય,
પામે પ્રમોદ અસુધા ઊભરાય હાસ્ય !

હવે તો મેદાને વરતનુ દીસે છે વિચરતી;
વિલોકે સામે, ત્યાં ત્વરિત ચરણોની ગતિ થતી;
રહ્યાં બંને બાજુ તરુવર, નહીં કોઈ વચમાં,
વસેલું આવીને પણ સકલ સૌંદર્ય કચમાં !

રોહિણીપતિના ભાલે રશ્મિઓ રમતા હતા :
તુહિનાચલના જાણે શૃંગમાં ભમતા હતા !

શોભીતા શા સહુ અવયવો, સ્નિગ્ધ, ગોરા, ભરેલા,
યોગાભ્યાસ, પ્રબલ થકી શા યોગ્યતામાં ઠરેલા :
ગાલે, નેત્રે, સકલ વદને, દીપ્તિ સર્વત્ર ભાસે,
જ્યોત્સનાને એ વિશદ કરતો સ્વચ્છ આત્મીય હાસે !

આકાશમંડલ ભણી દૃગ એ નથી જ,
વિશ્રામ આજ નથી ભૌતિક કોઈ ચીજ;
નેત્રો નિમાંલિત થતાં હૃદયે તણાય;
અધ્યાત્મ-ચિંતન નિમગ્ન થયો જણાય !