પૃષ્ઠ:Purvalap.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


અતિ જ્ઞાન

વસંતતિલકા


ઉદ્ગ્રીવ દ્રષ્ટિ કરતાં નભ શૂન્ય ભાસે
ઝાંખી દિશા પણ જણાય, અનિષ્ટ પાસે
જામી ગઈ તરત ઘોર, કરાલ રાત
લાગી બધે પ્રસરવા પુર માંહિ વાત


અનુષ્ટુપ



ઇંદ્રપ્રસ્થજનો આજે વિચાર કરતા હતા
એક બાબતને માટે શંકા સૌ ધરતા હતા

ઉપજાતિ



દુર્યોધન પ્રેષિત દૂત એક
દેખાવમાં ઘાતક દુષ્ટ છેક
જતો હતો અંધ થતી નિશામાં
સુગુપ્ત રાજગૃહની દિશામાં

અનુષ્ટુપ



શાને આવ્યો હશે, તેની કલ્પનાઓ ચલાવતા
ભય સંદેહ દર્શાવી, શિર કોઈ હલાવતા

વંશસ્થ



નિગૂઢ શંકા પુરવાસીઓની આ
જરાય નિષ્કારણ તો નહોતી હા
કરેલ આમંત્રણ ધર્મરાજને
રમાડવા દ્યૂત અનિષ્ટભાજને

અનુષ્ટુપ



હા કહીને રજા આપી યશસ્વી જ્યેષ્ઠ પાંડવે
બોલાવ્યા ત્રણ બંધુને મળવાને પછી હવે