પૃષ્ઠ:Purvalap1.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૨૨. પ્રમાદી નાવિક

મનોહર તરંગ આ ઉપર ચંદ્રિકા વિસ્તરે, સુધા ધવલ અંતથી ઝબક સાથ વિદ્યુત સરે; વહી પવન મંદ મંદ જડ અંગ જાગ્રત કરે; નહીં વિધુર અંતરે તદપિ કાંઈ આશા ઠરે!

હતો ચરસ મૂલથી સરતનો જરાયે નહીં, નહિ સફર લાભની પ્રગટતી સ્પૃહા એ મહીં; સદૈવ સુખનાવમાં સ્વજનસંગ માટે જતો, કૃતાર્થ સહચારથી પ્રણયથી હંમેશાં હતો.

ફર્યા સકલ ખંડના નવનવે કિનારે અમે, હવાઈ દરયાઈ કૈંક નીરખ્યા ચમત્કારને; શશી સહિત રાત્રીઓ મહીં અનેક ગોષ્ઠી કરી, ગયા દિવસે તે બધા! નહીં જ આવવાના ફરી!

ગયા, વખત આવતાં સ્વજન સર્વ છૂટાં થયાં, ઘણા સફરમાં અને સરત જીતવાને ગયા; રહી પ્રિયતમા સખી નિકટ માત્ર નૌકા પરે, ગણી ઉભય અર્થ સર્વ ભટક્યાં મહાસાગરે!

ભર્યાં દિલ વિલાસથી, મધુર કૈંક ગાનો કર્યાં, તર્યાં જલધિમાં અને વિરલ ટાપુઓમાં ફર્યાં; જતાં નિકટ બંદરો નીરખતાં હલેસે વહી, “ન હોય સુખનાવની કદર બંદરોને,” કહી!