પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ ઓગણીસમું

૧૩૬


'સિદ્ધપુરના ભીમરાજને ઘેર. પણ મારા રા', એ તો સોરઠભરમાં ડંકો વાગી જાય એવી કન્યા છે.'

'તમારી વાર્તાઓમાં અપ્સરાનાં વર્ણન આવે છે એવી?'

'એવી જ - એજ.'

'કુંતાની આમન્યા તો પાળશે ને?'

'ચારણનું ગોતેલ ઠેકાણું - ફેર પડે તો મારૂં મોં ન જોજો, ગંગાજળિયા ! પણ એક વાર હસીને હા પાડો તો તે પછી જ હું રાણીજી પાસે જઈ શકું.

'હા-હા !' રા'એ એક નિઃશ્વાસ મૂક્યો : 'ગાદીનો વારસ જોવે, ત્યાં મારી હા કે ના શા ખપની? મારૂં હૈયું કોણ વાંચી શકશે? હું કોની પાસે કલેજું ચીરી બતાવું?'

પછીની કથા તો સીધીદોર છે. સિદ્ધપુર જઇને જૂનાગઢનું ખાંડું ભીમરાજની કુંવરીને તેડી આવ્યું; ને રા' માંડળિકના હોઠે નવા લગ્નની એક પછી એક રાત્રિએ મદિરાની પ્યાલીઓ મંડાતી રહી.

રાત્રિભર રા' મદિરા લેતો, પ્રભાતે ગંગાજળે નહાતો. પ્રભાતે પ્રભાતના બીજા પહોરે મોણીએથી નાગાજણ ગઢવી અચૂક હાજર થતા, ને તેના હાથનો કસૂંબો લીધા પછી જ રા'ની નસોમાં પ્રાણ આવતા. અફીણના કેફમાં થનગનાટ કરતો રા'નો જીવ તે પછી ગઢવી નાગાજણને મોંયેથી વ્હેતી અપ્સરાઓની વાતોમાં તણાતો, ખેંચાતો, વમ્મળે ચડતો, ઘૂમરેઓ ખાતો, ને આકાશલોકથી પાતાળ લોક સુધીનાં પરિભ્રમણ કરતો. તેજનો જ્યોતિર્ગોળો જાણે અનંતના આલોકના સીમાડેથી ખરતો, ખરતો, ખરતો ગતાગોળમાં જઈ રહ્યો હતો. એને તો આ પૃથ્વી પર જ સ્વર્ગ સાંપડ્યું હતું. આટલાં વર્ષો પારકી