પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ચારણ ખસીયાણે મોંયે પોઠિયાની ને ભેંસની સામે જુવે છે. જાણે કહે છે કે તમે તો કોઈ મનાવો.

"હિંમત નથી હાલતી ને માટી!" ચારણીનું મોં સ્હેજ મલક્યું.

"સાચું ભણ્યું-જોગમાયા સાક્ષી-મારૂં દલ ડરે ગૂં છે ચારણ્ય."

"પે'લુ વેલુકી મને ઘરે તેડી જાછ એથી જ ને?"

"એથી જ. હજી હસીને બે વાતું ય નથી કરી." ચારણનું મોં રાંકડું બનતું હતું.

"તારી અણપૂરલ આશા જોગમાયા હજાર હાથે પૂરે, મારી આશીષું છે ચારણ. જા, પોઠિયો, ભેંસ ને પાડી લેને તારે નેસે પોગી જા. જીવ્યા મુવાના જુવાર તુંને. ખમા તુંને."

એમ બોલીને ચારણી ઊના દેલવાડાને ઊભે કેડે ચડી.

"ચા...ર...ણ્ય!" મરદે ધાપોકાર કીધા.

લેલાંએ તેં-તેં-તેં કરી વન ગજાવ્યું. લક્કડખોદ ઠ...ક ! ઠ...ક ! ઠ...ક... જાણે કોઈની ચિતાનાં કાષ્ઠ પાકતો રહ્યો.

"ઘેરે જા. નેસડે પોગી જા." એમ બોલતી ઓરત ઉપડતે પગલે ગઈ. થોડી ઘડી દેખાઈ. પછી ડુંગરો આડો આવી ગયો.

ચારણે થોડી ઘડી ઊભા થઈ રહી પછી ભેંસ પાડી ને પોઠિયો વનરાઈમાં હાંકી મૂક્યાં. ઝડપથી ચાલ્યો. વનરાઈનાં આછાં પાખાં ઝાડવાંમાંથી ઘડીક ઘડીક એની મધરાશી પાગડીનું છોગું લાલ લાલ જીભના લબકરા કરતું જતું હતું.