પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭૩

સૂરોનો સ્વામી


ચલતીના તાલમાં એ ગીત બીજા બધા સોબતીઓએ પોતપોતાના સાજ પર ઝીલવા માંડ્યું. જમાવટ થઇ ગઇ. છોકરાં ન રહી શક્યાં. એણે પણ નૃત્યમાં પોતાના નાના પગનાં પગલાં મિલાવ્યાં. ગવરવાનારો પુરુષ નીચો નમી નમીને નખરાં કરવા ને ફેરફુદડી ફરવા લાગ્યો. ને પછી જ્યારે -

રાધાજીની નથડીનો
કાનુડો છે ચોર-ચોર-ચોર

નાગર નંદજીના લા...લ !
રાસ રમતાં મારી નથડી ખોવાણી

એ 'ચોર-ચોર-ચોર'ના તાલ દેતી થપાટો મૃદંગ પર પડી, ને ગવરાવનારનાં કરતાલ ઝટકોરાયાં, ત્યારે છોકરાંની ટોળી ગઝબ તાનમાં આવી ગઇ.

'બાકીનું ગીત સાંભળવું છે ને ?' ગવરાવનાર પુરુષે છોકરાંને સરખી વયના સાથી સમી નિર્મળ અદાથી પૂછ્યું.

'હા, અમારે નાચવું છે, ને ગાવું છે.' છોકરાં અધીર બન્યાં.

'ત્યારે તમે નાગરવાડામાં શ્રીરંગ મેતાનું ઘર જોયું છે ને ?'

'હા,' એક છોકરો બોલી ઊઠ્યો : ' કુંવલભાભી થે ઇ ઘલ ને ? કુંવલભાભી તો હજી હમલાં જ લોતાં'તાં. એ-એ-એ-કઉં, છું કામ લોતાં'તાં ? એ-એ-એ-એના બાપા છે ને, એના નલછીયા બાપા છે ને, તે ધૂનાગઢથી આવા નૈ, અતલે.'

'ઠીક ત્યારે' એ પુરુષે કહ્યું 'જો બચ્ચા, તું જા, તારી કુંવરભાભીને કહી દે કે લોવે નહિ, નલછિયા બાપા આવા છે, આવા છે.'