પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૮૧

સૂરોનો સ્વામી


રાધિકાજીને ખોળે પણ કાંટા જ ખૂંચે કે બીજું કાંઈ ? તમે મને ફસાવવા આવ્યા છો શેઠીઆ !'

'આ રહી ૪૦ કોરી.' ધરણીધરે ગણી કરીને સામે ઢગલી જ ધરી દીધી હતી. 'ને આ રહ્યો દસ્તાવેજ. સહી કરી આપો એટલી જ વાર.'

'ના-ના-ના. મને લલચાવો મા, મને મૂંઝવો મા. એ કોરીઓને સંતાડી દ્યો. એ દસ્તાવેજ ફાડી નાખો. મારે નથી રોકાવું.' એમ કરીને નરસૈયો ઊઠ્યો. આંખો આડા એણે હાથ દઇ દીધા.

'તો ભલે અભ્યાગતો ભૂખે મરે.' એની ફરી ગએલી પીઠ પર ધરણીધરજીએ લાકડીના સોટા જેવા આ શબ્દો સબોડ્યા, કે તુર્ત નરસૈયો, 'ભલે મરી જાય અભ્યાગતો ! ભલે થાવું હોય તે થાય. ભલે-ભલે-ઉલ્કાપાત થઇ જાય.' એવી ચીસો પાડતો વટેમાર્ગુ વાઘ દીપડાથી ન્હાસે તેવા વેગે નાઠો. ગામ બહાર નીકળી ગયો. સીમમાં પણ શ્વાસધમણ બની દોડતો હતો. સીમાડો છોડ્યા પછી એણે ગતિ ધીરી પાડી. અને પોતે કેદારો રાગ ત્યાં મૂકી તો નથી આવ્યોને, એની ખાત્રી કરવા એણ જંગલમાં ગળું વ્હેતું મૂક્યું; ને હર્ષાવેશમાં આવી ગયો. કેદારો એના કંઠમાં સાબૂત હતો.

એ પગલાં ઉપાડતો ચાલ્યો, પણ એનું શરીર કામ કરતું નહોતું. ઘણા મહિનાથી પેટપૂર તો ખાવા પામ્યો જ નહોતો. થોડુંક અન્ન ને ઉપર ઝાઝું બધું પાણી પી જઇને એ ઓડકાર ખાતો. બાકીનો સમય ગાવામાં ગાળતો. ભૂખ લાગી જ નથી, મને ભૂખ છે જ નહિ, એવાં માનસિક રટણ કરીને એ ભૂખને વિસરી જતો. પણ એ લાંબી સ્થિતિને સંભાળી લેનાર સ્ત્રી ચાલી ગઇ હતી. નરસૈયો એકલો બન્યો હતો. ભૂખના દુઃખે એનાં હાડ ભાંગી નાખ્યાં હતાં.