પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૨૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ સત્તાવીસમું

૨૧૨

શસ્ત્રાધિકારીને બોલાવી ફરમાન દીધું  : 'કુરબેગ, ગિરનારની ચડાઇ માટે તૈયાર રાખો - સત્તરસે મિસરી, મલતાની, મઘરેબી અને ખોરાસાની તલવારો : એ દરેકનીમૂઠ ચારથી છ શેર વજન સુધીની શુદ્ધ સોનાની હોવી જોઇએ : તેત્રીસસો અમદાવાદી તલવારો, જે દરેકની મૂઠ રૂપાની, પાંચથી છ શેર વજનની હોવી જોઇએ : સત્તરસે ખંજરો ને જમૈયા, જેના દરેક હાથાનું વજન ગૂજરાતી અઢીથી ત્રણ શેર નરદમ સોનાનું હોય.'

અશ્વપાળને બોલાવી આજ્ઞા આપી કે 'બે હજાર આરબ અને તુર્કી ઓલાદના સોનેરી સાજ વાળા ઘોડા તૈયાર કરો.'

બાવીસ વર્ષના જુવાન સુલતાનની આ આજ્ઞાઓ અફર હતી. ફોજમાં આ તૈયારીના ખબર ફેલાયા કે તૂર્ત સિપાહીઓ સોરઠની ધરતી ખૂંદી નાખવા તલસી ઊઠ્યા. તેમની કલ્પના સામે આ ઇનામો હતાં, ને હિંદુ દેવસ્થાનાંના બેહિસ્તે લઇ જનારા વિનાશની તલપ હતી.

કેળાંની લૂમો ઉડાવતા સુલતાનને પણ ઊનાળો બેઠો એટલે તલપ લાગી - સાબરમતીની રેતમાં પાકતાં રાતાંચોળ તરબૂચોની. 'ખરબૂજની મોસમ નથી ચૂકવી' એમ કહીને એણે અમદાવાદ તરફ પડાવ ઉપાડી મૂક્યો.

જૂનાગઢના વીસળ કામદારે પણ તરબૂચો ખાતાં ખાતાં, એના જેવા જ ગુલાબી રંગની વૈરવાસનાને પોતાના અંતરમા પકવ્યે રાખી. એણે સુલતાન સાથેની મુલાકાતોમાં ગિરનારનાં ગુપ્ત રહેઠાણો અને ઊપરકોટ ફરતાં અબેદ્ય જંગલોમાંથી સર્પ શી ચાલી જતી છૂપી કેડીઓની વિગતવાર બાતમી આપ્યા કરી.