પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૨૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૧૧

સુલતાનનો મનસૂબો

'સાચું કહો છો માવતર !'

વળતા દિવસે પ્રભાતે મેદાનમાં સુલતાને પોતાની ગંજાવર ફોજની મોખરે ઊભા રહી નમાઝ પડી અને નમાઝ પૂરી થયે એણે ઉદ્ગારો કાઢ્યા: 'સિપાહીઓ ! ખુદાની મહેરબાની હશે તો આવતા વર્ષે આ ખુદાનો સેવક એક નવું નગર વસાવશે.'

આ બોલ બોલતો હતો ત્યારે એનું મોં સોરઠની દિશામાં હતું. ચતુર સાથીઓ સમજી ગયા કે સુલતાનની નજરમાં ગિરનાર રમે છે.

તે પછી પોતે દરબારમાં બેઠો, પહેલી મુલાકાત એણે એક સૈનિકને આપી. સાધારણ દરજ્જાના એ સિપાહીએ સુલતાનની પાસે એક ટોપલી ભેટ ધરી. ટોપલી ઉપર લાલ કપડાનો રૂમાલ ઢાંક્યો હતો.

રૂમાલ ખોલતાં સુલતાને મીઠું હાસ્ય કરી કહ્યું,'આ શી ચીજ છે, સૈનિક?'

'સુલતાન, એ તો મઠની સીંગો છે. તારી રજા લઇને હું મારે વતન ગયો હતો. ત્યાં અમારૂં ખેતર છે. એમાં આ મઠ ઊગે છે. એ હું તારા ઘોડા માટે લાવેલ છું. કેમકે એ સરસ છે, દાણાથી ભરપૂર છે. તારો ઘોડો એ ખાઇને તારા જેવો જ તાકાતવાન બનશે. મઠ ખવારાવ્યા વગર તારો ઘોડો તારા જેવા તોતીંગ પહાડી આદમીને ઉપાડી ગિરનાર પહોંચી નહિ શકે હો સુલતાન !'

'તારી સોગાદ હું હીરામોતી બરાબર માનીને સ્વીકારૂ છું, સિપાહી !' એમ કહી સુલતાન પ્રસન્ન ચિત્તે હસ્યો.

તે પછી એણે ખજાનચીને તેડાવ્યો ને હુકમ કર્યો -

'આજથી ગિરનારની ચડાઇને માટે પાંચ કરોડ અવેજના ફક્ત સોનાના જ સિક્કા તૈયાર રાખો.'