પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૨૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ અઠ્ઠાવીસમું

૨૨૨

વિચારતો વિચારતો એ એક સૂકા નેરાની તપતી રેતમાં ઊતર્યો, ત્યારે એને આઘે નેરડામાં એક આદમી બેઠેલો દેખાયો.જબ્બર પુરુષ હતો. ને એની બાજુમાં શું પડ્યું છે ? ઘોડો પડ્યો છે. પહાડ જેવડો ઘોડો આમ સૂતો છે કેમ ?'

નાગાજણ નજીક જતાં જ ઓળખ્યો એ પુરુષને . આ તો રા'ની સામે બહારવટે નીકળેલા સરવા ચોવીશીવાળા વીકાજી સરવૈયા !

'જે સોમનાથ વીકાજી કાકા !' નાગાજણે શુદ્ધ ભાવે કહ્યું.

'જે સોમનાથ દેવ ! વીકાજી સરવૈયાના બુઢ્ઢા મોંમાંથી ક્ષીણ પડઘો નીકળ્યો. એને બ્હીક પણ લાગી.

'કેમ આમ અંતરિયાળ કાકા ?'

'બસ દેવ, બારવટું આથમી ગયું.'

'પણ શું થયું ?

'ચડવા એક જ ઘોડી હતી. એની પીઠ માથે જ મારા બારવટાનો ભાર હતો. એના પ્રતાપે કોક દિ' પણ રા' મારૂં પાર પાડશે એવી આશ હતી. આજ એ મરી ગઇ.'

'હવે ?'

'હવે બસ, તમે રા'ને બાતમી પોગાડો ત્યાં લગી આંહી જ બેઠો છું. મને ને ઘોડીને હારે જ દેન પાડજો બાપા ! એટલું રા'ને કહેજો.'

નાગાજણ નીચે ઊતર્યો ને બોલ્યો, 'ઊઠો વીકાજી કાકા.'

'કાં બાપ ?'