પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૨૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૪૧

'ઓ ગિરનાર !'

'હેં ઊપરકોટ તૂટે ? આ દેવતાઇ ગઢ-આ પાંચ હજાર વર્ષ પૂર્વેનો ઉગ્રસેન જાદવનો ગઢ તૂટે ?'

'તૂટે છે મહારાજ ! કાન માંડી જૂઓ, આ તૂટે.'

'કોણ તોડે છે ?'

'જેનો ધણી સોનાં ને રૂપાં વેરી રહ્યો હોય એ ફોજીઓ.'

કડડડ ! દરવાજાનાં લાકડાં બોલતાં હતાં. શિલાઓ પડતી હતી.

'આંહી આવશે ?' રા' બ્હીકમાં બોલ્યો.

'આંહી આવશે ને તમારા દેખતાં મારી લાજ લૂંટશે.'

'અરરર !'

'અટાણે અરરર હોય રાજ ? મારી લાજ લૂંટાય ને તમે નજરે નિહાળો-હસો, ગુલતાન કરો.'

'હેં-હેં-એ !'

'હા, વસ્તીની લાજ લૂંટાય છે ત્યારે તમારું વેર વળતું લાગે છે ને ! તો મારા માથે ય વૈર-'

'ના-ના-ના-'

કડડડ-ધબ્બાંગ-અવાજો આવે છે.

'ના-ના-ના-ત્યારે તો એને જોઈએ તેટલું ધન આપો, એ કહે તે શર્તો સ્વીકારો, મારા વકીલો.'

'હું એમ નથી કહેતી, હું તો રાજ, તમને બખ્તરની કડીઓ ભીડી દેવા આવી છું. આજ રાત મારી પાસે મહાભારત સાંભળો, સવારે હું રણસાજ સજાવીશ.'