પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૨૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ એકત્રીસમું

૨૪૬

સુલતાનનું બેશુમાર કટક ઊતરી પડ્યું. બે દિવસની ઝપ્પાઝપ્પીમાં અમદાવાદી ફોજ પરબો પછી પરબો વટાવી ઉપર ચડવા લાગી.

રા' ને કુંતાદે બેઉ ઉપર બેઠાં બેઠાં જુદ્ધ જોતાં હતાં. કતલ દેખાતી હતી. ઘોર કતલ ચાલતી હતી. રા'નું કટક કામ આવી રહ્યું હતું. પણ ગિરનારના કોટ ઉપર પહોંચતાં સુલતાની કટકો ઉપર એક જુદી જ દિશામાંથી કોણ જાણે કોનાં તીરના મેહુલા વરસતા હતા. તીરંદાજો દેખાતા નહોતા. તીરધારીઓએ રંગ રાખ્યો હતો. ત્રણ દિવસ સુધી રા'ને ઉગાર્યો હતો. ચોથા દિવસે તીરના હલ્લા ક્ષીણ બન્યા. પણ તીરંદાજો ઉપર ને ઉપર મોરચા બાંધ્યે આવતા હતા. જેટલા કતલ થતા તેટલા ગબડીને નીચેની કંદરાઓમાં જતા હતા, બાકી રહેનારાઓ ઉપર ને ઉપર, પહાડની શિલાઓ પર ઠેકતાં, વાંદરાં જેમ ચડતા, સ્થિર પગે મોરચા બદલતા, વંકામાં વંકી પગદંડીઓ પરથી તીર ચલાવતા હતા.

એક પછી એક પડતા ગયા. બાકી રહ્યો એક. એ છેક ગઢની નીચે સુધી આવી ગયો હતો. એને કુંતાએ નિહાળીને જોયો. એના શિર પર મોર-પિચ્છનો ઝુંડ હતો. એના કાનની કડીઓ લળકી ઊઠી. એની ભૂજાઓમાંથી રુધિરનાં સરણાં વહેતાં હતાં. એની છાતી પર એક માદળીયું ઝૂલતું હતું.

'એ મારો ભાઈ ! એટલા જ કુંતા-મુખના ઉદ્‌ગાર : એ સાથે જ તીરંદાજનું પછવાડે ગરદન ફેરવી ઊંચે જોવું : ને એજ ક્ષણે શત્રુની એક બંદૂકની ગોળીએ ને આંટ્યો, વીંધ્યો, પછાડ્યો, ઊંડી ખોપમાં ગબડાવી મૂક્યો, ને કુંતાદે‌એ ચીસ પાડી : 'મારા રા', તમારા ધરમ સાટે મારો ભાઈ મૂવો; રાજ, હવે ધરમ સંભાળો. કિલ્લાનાં દ્વાર તૂટે છે.'

'હેં-હેં-શું કરું ? શું કરું કુંતા !'