પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૧

માંડાળિકનું મનોરાજ્ય


"એ ઉદરમાં પાકેલું રતન તારો કાકો હમીરજી. દેવડી ! એ ઉદરમાં, ત્રણે ભાઇઓમાં સૌથી નાનેરો કાચો કલૈયો. તારો બાપુ અરજણજી ને કાકાબાપુ દુદોજી આંહી જુનાગઢ મારા બાપની ચાકરીમાં રોકાયા હતા. હમીરજી એકલો ઘેરે. સાંભળે છે કે સોમનાથને તોડવા પાદશાહી ત્રીજી વાર આવે છે. ને કોઈ કરતાં કોઇ રાજબીજ દેવોના ય દેવ મહેશ્વરની મદદે કાં ન ચડે ! પોતે એકલો નીકળે છે. ભેળા એકલોહીયા, થોડીક માટીના ઘડેલા, થોડાક મરણીયા જોદ્ધા છે. માર્ગે કોઇ ક્ષત્રી? કોઇ રાજબીજ ? કોઇ હિન્દુ ? ના, ના, ના, દેવડી ! તારો કાકો એકલવીર : સૂના પંથનો એક જ સાવઝ : મોં ઉપર મોતના સોહાગ માણવાની મીઠાશ : જીવતરના પ્રભાતને પછવાડે ઠેલતો, મોતની સંધ્યાને માણતલ, ગોહેલ હમીર જ્યારે ચાલી નીકળ્યો છે, ત્યારે દુદાજીની રાણી તારી કાકીએ નથી હાથમાં શ્રીફળે ય દીધું, નથી કપાળે ચાંદલો ય ચોડ્યો, નથી એક આશિષનો ય બોલ ઉચ્ચાર્યો, ઘરમાંથી મડું કાઢે તેમ દેવરને કાઢ્યો. તું તો તે દિ' ઘોડીએ હોઇશ."

"મા કહેતી'તી એક દિ' કે છેલ્લી વેળાએ કાકા મને બચી કરીને એક હીંચોળો નાખતા ગયેલા."

"એ બચી હું તારા મોં માથે આજ પણ લીલી ને લીલી નિરખું છું કુંતાદે. એવાં વહાલનાં ને એવી વિદાયનાં અમી સૂકાય નહિ કેદિ. એના પંથમાં રાજપૂત ભાઇઓની બથભરી ભેટો નહોતી, ચારણોના ખમકારા નહોતા, વસ્તીનાં વળામણાં નહોતા, તરઘાયાની ડાંડીઓ કે શરણાઇના સિંધુડા નહોતા; બ્રાહ્મણોના આશિર્વાદો નહોતા, સોરઠની વાટ સુલ્તાનની ફાળ ખાધેલી વરાળે સળગી ઊઠી હતી. માનવી માત્ર ચકલ્યાંની જેમ મહેલે ને કૂબે સંતાઇ બેઠાં હતાં - હાય જાણે પાદશાહ પાછળથી બાતમી કાઢીને વીણી વીની ધાણીએ પીલશે. એને પગલે વારણાં લેતું'તું મોત, મોત, એકલું ટાઢુંબોળ એકલું મોત.