પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ સાતમું

૫૨


'એણે શું લવારી કરી? કુંવર હમીરજીનું નામ કેમ લીધું?' એક પહેરેગીર કાનમાં કહેવા જેવા અવાજે બોલ્યો. બીજાએ પણ જવાબ દેતે દેતે દિલ પર ધાક અનુભવી.

'કુંવર હમીરજી આંહીથી સોમનાથની સખાતે ગયા તેને આજ પચીસ વરસ ગુજરી ગયાં. આજ એને શેણે એ ભણકારા વાગ્યા? ક્યાં કુંવર હમીરજી, ને ક્યાં આ ભીલડા ભાઇ!'

'નામ છોડોને ભાઇ એ કુંવરનું ! નકામી નોકરીઓ ખોઇ બેસશું.'

પહેરેગીરો વચ્ચે ચાલતી આ બધી વાતો ને કાન દેતો, પણ જીભ ન દેતો જુવાન એક બાજુ બેઠો હતો. પોતાના બાપનું નામ લીધે નોકરીઓ જવાની આ શી વાત ! મોડી રાતે એ બેઠે બેઠે જ ઝોલે ગયો. દોઢી ચડવાનાં પગથિયાં ઉપર ટેકો લઇ ગયેલું એનું માથું ઝડ ઝડ બળતી મશાલને અજવાળે સ્વચ્છ દેખાતું હતું. એના કાનની કડીઓ મશાલને જોઇ જોઇ ગેલથી ઝૂલતી હતી.

પરોડ થયું. દરવાજા ઊઘડ્યા. દીકરો ને મા બેઉ ગામ બહાર તળાવ પાળે ચાલ્યાં ગયાં. માએ દીકરાના ધોએલા મોં પર ઓવારણાં લઇને હાથ જોડ્યા : 'સોમૈયા ડાડા ! મારા પુતરને માન સથુકો પાછો મોકલજો. જા બેટા, હું આંહી છું. તું સારા સમાચાર લઇને મને તેડવા આવજે.'

જુવાન પાછો દરવાજે થઇને સોંસરી બજારે ચાલ્યો ત્યારે સૂર્ય ઊગતો હતો. એનો અર્ધનગ્ન પહેરવેશ એની શ્યામવરણી શોભામાં ઉમેરો કરતો હતો. એના ગઠ્ઠાદાર હાથ અને કાને ઝૂલતી છેલકડીઓ સામે મળતી પનીહારીઓની આંખો સાથે નટવાનો દોર બાંધતી હતી.

ગુણકા તળાવ ગામની વચ્ચોવચ્ચ હતું. રાજમહેલનો બુરજ તળાવમાં પ્રભાતને પહોર જાણે પોતાનું મોં જોઇને પ્રફુલ્લિત બનતો હતો.