પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૯

દુદાજીની ડેલીએ


એ બોલતે બોલતે ત્રીશેક ગાઉના અંતરે આખા સીમાડાને રોકી પડેલા એક વાદળના કટકા સરીખા પહાડ ઉપર નોંધાઇ ગઇ હતી.

'બેન ! કોણ બેન ! મારે વળી બેન પણ છે? ભેળાં રમવા જેવડી !'

'રમવા જેવડી તો નહિ. બાપ! પરણેલી છે. એને ઘરેય રાજવળું છે. એ તો પાછું રજવળાં માતરનું શિરોમણિ.'

'ક્યું?'

'ગઢ જૂનાણું. ગરવા દેવનો રખેવાળ તારો બનેવી છે.'

'રા' માંડળિક? મારો બનેવી? તું ય પણ મા, વગર મહુડાં ખાધેય કેફમાં ગરકાવ લાગ છ.'

'મહુંડાં તો અવતાર ધરીને એક જ વાર - એક જ રાત પીધાં છે. તે પે'લાં કે તે દિ પછી કેદિ ચાખ્યું ય નથી. એ રાતો એના ભેળી જ ગઈ. એ રાત પાછી આવે ના. ને અવતાર આખામાંથી એકાદ દા'ડો જ સાવચી રાખવા જેવો નીકળે છે. બાકીના દનડા તો ફોતરાં છે ફોતરાં. જીવતરના દન તો મહુડાંના ફૂલ છે. માંહીથી દારૂડો તો એકાદ કૂંપી જ નીતરે. મેં તો ભવોભવનો કેફ કરી લીધો છે. એ કેફમાં હું પચીસ વરસથી ચકચૂર છું. મારે શી પડી છે બાકીના દનની.'

મા બોલે જ જાતી હતી. દીકરો કાંઇ સમજે નહિ તેવી એ કેફ-ગરકાવ વાણી હતી. મા દીકરાને નહોતી સંભળાવતી, પોતાની જાતને સંભળાવતી હતી.

'પણ માડી, મારી બેન કોણ?