પૃષ્ઠ:Rachanatmak Karyakram.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રાષ્ટ્રીય મહાસભામાં ખેંચાયા અને બાબુ બ્રજકિશોરપ્રસાદ તેમ જ બાબુ રાજેન્દ્રપ્રસાદની આગેવાની નીચે પાછલી સવિનયભંગની લડતોમાં તેમણે પોતાની તાકાતનો પૂરતો પરચો બતાવ્યો.

આ ઉપરાંત ખેડા, બારડોલી તથા બોરસદમાં ચાલેલી ખેડૂતોની લડતોનો અભ્યાસ કરવાથી પણ વાચકને લાભ થશે. કિસાન સંગઠનમાં સફળતાની ચાવી એ છે કે તેમની પોતાની અને તેમને સમજાતી હોય તથા કઠતી હોય તેવી ફરિયાદો દૂર કરાવવાના કામ સિવાય બીજા કોઈ પણ રાજકીય આશયથી તેમના સંગઠનનો દુરુપયોગ ન કરવો. કોઈ એક ચોક્કસ અન્યાય કે ફરિયાદના કારણને દૂર કરવાને માટે સંગઠિત થવાની વાત તેમને તરત સમજાય છે. તેમને અહિંસાનો ઉપદેશ કરવો નથી પડતો. પોતાની ફરિયાદોના એક અસરકારક ઇલાજ તરીકે તે લોકો અહિંસાને સમજીને અજમાવે અને પાછળથી તેમને જણાવવામાં આવે કે તમે જે અજમાવી તે જ અહિંસક પદ્ધતિ છે એટલે તરત તે લોકો અહિંસાને ઓળખી જાય છે ને તેનું રહસ્ય પામી જાય છે.

જે જે મહાસભાવાદીઓએને રસ હોય તે કિસાનોમાં તેમની સેવાને અર્થે કેમ કાર્ય કરવું તે ઉપર જણાવેલા દાખલાઓના અભ્યાસથી જાણી લે. મારું એમ માનવું છે કે કિસાન સંગઠનની જે પદ્ધતિ કેટલાક મહાસભાવાદીઓએ અખત્યાર કરી છે તેનાથી તેમને જરાયે ફાયદો થયો નથી. ઊલટું કદાચ નુકસાન થયું હશે. પણ ફાયદાનુકસાનની વાત જવા દઈને મારે એટલું તો કહેવું જ જોઈએ કે તેમણે અખત્યાર કરેલી રીત અહિંસાની નથી. આ કાર્યકર્તાઓમાંના કેટલાકને વિશે એટલું કહેવું જોઈએ કે અમે અહિંસક પદ્ધતિને માનતા નથી એમ તેઓ નિખાલસપણે કબૂલ કરે છે. આવા કાર્યકર્તાઓને મારી સલાહ છે કે તેમણે પોતાનું કામ કરવામાં મહાસભાનું નામ ન વાપરવું ને મહાસભાવાદીઓ તરીકે કાર્ય ન કરવું.

કિસાનો ને મજૂરોને અખિલ હિંદને ધોરણે સંગઠિત કરવાની જે ચડસાચડસી ચાલે છે તેનાથી હું કેમ અળગો રહ્યો છું તેનો વાચકને મારી આટલે સુધીની વાત પરથી ખ્યાલ આવ્યો હશે. આપણે બધા મળીને એક જ દિશામાં ખેંચીએ તો કેવું સારું! પણ આપણા જેવા