પૃષ્ઠ:Rachanatmak Karyakram.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કેમ કે હું સમજું છું તે મુજબ તેમની બધી કેળવણી જાપાની ભાષામાં અપાય છે. વળી ચીનના સૌથી વડા અધિકારી જનરલ લેસીમો ચાંગ કાઈ શૅકને અંગ્રેજી આવડતું હશે તોયે નહીં જેવું જ આવડે છે.

પણ આપણા આ વિદ્યાર્થીઓ જે છે તે છે અને એ જ જુવાન સ્ત્રીઓ ને પુરુષોમાંથી રાષ્ટ્રના ભાવિ આગેવાનો ઘડાવાના છે. કમનસીબ એ છે કે તેમના પર નહીં નહીં તે પવનની અસર થાય છે. અહિંસાનું તેમને ઝાઝું ખેંચાણ નથી. ફટકાના બદલામાં સામો પટકો બલ્કે એકની સામે બે ફટકાની વાત સહેજે ગળે ઊતરે તેવી ને ભાવી જાય તેવી છે. તેનાથી ક્ષણજીવી કાં ન હોય પણ ઝટ પરિણામ આવતું દેખાય છે. લડાઈના હંગામમાં જનાવરો અથવા માણસો વચ્ચે પાશવી એટલે કે હિંસાની શક્તિની જે કાયમ ચાલતી આવેલી ચડસાચડસી આપણને જોવાની મળે છે તે જ આ વાત છે. અહિંસાને બરાબર ઓળખવાને ધીરજભરી શોધખોળ અને તેથીયે વધારે ચીવટભર્યા તેમ જ મુશ્કેલ અમલ કે આચરણની જરૂર પડે છે. કિસાનો અને મજૂરોની બાબતમાં જે કારણોસર મેં મારો રસ્તો પસંદ કર્યો છે તે જ કારણોસર વિદ્યાર્થીઓના દિલનો કબજો મેળવવાને ઉમેદવાર લોકો સાથેની હરિફાઈમાં હું પડ્યો નથી. પણ વિદ્યાર્થી શબ્દનો વધારે બહોળો અર્થ કરો તો હું પણ તેમનો વિદ્યાર્થીબંધુ છું. મારી યુનિવર્સિટીમાં દાખલ થવાનું મારું તેમને કાયમનું નોતરું છે. તેમાં દાખલ થવાની શરતો આ રહી:

૧. વિદ્યાર્થીઓએ પક્ષાપક્ષીના રાજકારણમાં કદી ન પડવું. વિદ્યાર્થીઓ વિદ્યાના ખોળનારા ને જ્ઞાનનાં શોધનારા છે, રાજકારણના ખેલાડીઓ નથી.

૨. તેમણે રાજકીય હડતાળો ન પાડવી. વિદ્યાર્થીઓ વીરોની પૂજા ભલે કરે, તેમણે કરવી જોઈએ; પણ પોતાના વીરો જેલમાં જાય, કે અવસાન પામે, બલ્કે તેમને ફાંસીએ ચડાવવામાં આવે તે પ્રસંગોએ તેમના તરફની પોતાની ભક્તિ પ્રગટ કરવાને તે વીરોના ઉત્તમ અંશોનું તેમણે અનુકરણ કરવું જોઈએ, હડતાળો ન પાડવી જોઈએ. એવા પ્રસંગોએ વિદ્યાર્થીઓનો શોક અસહ્ય થાય અને એકેએક વિદ્યાર્થીની