પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
નથી. પર્વતરાય સાથે આ દેશમાં નવા આવેલા તમારા સરખા સામન્તોની જાગીરો જે નવો રાજા કોણ જાણે ક્યાંથીયે આખરે આવે, તે પળે એની શી ખાતરી ? રાઈ ગાદીએ આવે તો એવી ચિન્તાનું કારણ ન રહે. તમારી સેવાની કદર પણ એ જરૂર કરે.
શીતલસિંહ : તું બતાવે છે તેમ તારી યોજના પાર પડે તેવી છે ખરી, પણ, કાંઈ વધારે સાદો અને સહેલો અને ધાસ્તી વગરનો રસ્તો જડે તેમ નથી?
જાલકા : શીતલસિંહ ! શી બાલક જેવી વાતો કરો છો? રાજરોગ જામ્યો ત્યાં સાકરનું પાણી મટાડી દેવાનું કહેવું. એ તો ફક્ત હાંસી જ છે. એક તરફથી, રાજવધનો આરોપ આપણા સહુને માથે ઝઝૂમે છે; બીજી તરફ, રાજ્ય ઊંધું વળવાની દહેશત ઊભી થઈ છે; ત્રીજી તરફથી, રાત પાણીને વેગે વહી જાય છે, અને સવાર પહેલાં બધી ગોઠવણ પૂરી કરવાની છે; ત્યાં સાદા ને સહેલા ને ધાસ્તી વગરના રસ્તાની શી વાતો કરો છો? જે રસ્તો મને સૂઝ્યો તે મેં બતાવ્યો. તમને કોઇ રસ્તો રસ્તો સૂઝતો હોય તો બતાવો. નહિ તો છેવટ એક ટૂંકો રસ્તો છે. આ શબ ઉપાડીને મહેલમાં લઈ જઈએ અને ત્યાં માથાં કપાવવા ઊભા રહીએ. એ રસ્તો સાદોયે ખરો અને સહેલોયે ખરો ! પણ એમાં કાંઈ ધાસ્તી ખરી !
શીતલસિંહ : જાલકા ! આ સંકટથી મારું ચિત્ત વિહ્વલ થયું છે, તેવે વખતે તું મારો તિરસ્કાર ન કર અને ઉપહાસ ના કર. મારી બુદ્ધિ ચાલતી નથી. તું જેમ કહે તેમ કરવાને હું તૈયાર છું. તું માલણ કેમ થઈ ! તું તો કોઇ પરાક્રમી સ્ત્રી છે.
જાલકા : હવે, મહારાજના, શબને ભૂમિમાં સમર્પણ કરીએ. અગ્નિદાહ કરવા જતાં ગુપ્તતા નહિ સચવાય.
૧૨
રાઈનો પર્વત