પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
રાઈ : ખરી રીતે તો પંડિતો જ દુનિયામાં રાજ્ય ચલાવે છે. રાજ્ય અને મંત્રીઓ તો માત્ર પંડિતોએ ઠરાવેલા નિયમોનો અમલ કરે છે; અને તેમાં તેઓ ચૂકે છે ત્યારે રાજ્ય ખોઇ બેસે છે.
જાલકા : તું ગાદીએ બેસે પછી પંડિતોની સભા ભરી તેમની આગળ એ પ્રશ્ન મૂકજે. પણ, અત્યારે તો સ્નાન કરી લે. હું પણ સ્નાન કરવા આવી છું.
રાઈ : જાલકા ! સ્નાનનો આ શો ઢોંગ ! શબના સ્પર્શથી તને મલિનતા થઈ નથી, તો તારે સ્નાનની શી જરૂર ? તારા ચિત્તને સંતાપ થયો જ નથી કે શાન્તિ મેળવવાના પ્રયત્નનો આરંભ કરવામાં સ્નાન અને ઉપયોગિ થાય.
જાલકા : પ્રેત સાથે સંબંધ તૂટ્યાનું સ્નાનથી મનમઆં ઠસે છે.
રાઈ : આશા વ્યર્થ છે. પર્વતરાય સાથેનો સંબંધ કદી તૂટવાનો નથી અને આપણને એ પ્રેતનું વિસ્મરણ કદી થવાનું નથી. ગમે ત્યાં જઈશું, પણ પર્વતરાયનું મૃત્યુ આપણી નજર આગળથી ખસવાનું નથી. અને તેટલેથી બસ ન હોય તેમ મેં પર્વતરાયના ઘરમાં જઇને વસવાની અને તેનો વેશ ભજવવાની યોજના કરી છે !
જાલકા : તને પાછી નિર્બળતા આવતી જણાય છે.
રાઈ : નિર્બળતા કહે કે સબળતા કહે, પણ મારું અંતઃકરણ બહુ ઉછાળા મારે છે, અને, તારી આ યોજનાને પોતાની અંદર પેસવા દેતું નથી.
જાલકા : એક વાર માર્ગ પકડ્યા પછી શિથિલ પગલાં ભરવાં એ કાયરપણું છે, અને, એથી આખરે વિનાશ જ થાય છે.
રાઈ : હજી શો માર્ગ પકડવો છે?
જાલકા : પર્વતરાયનું શબ જમીનમાં દાટ્યું છે, અને શીતલસિંહ સંદેશો લઈ રાજમહેલ તરફ રવાના થયો છે.
૨૦
રાઈનો પર્વત