પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



४५–साहेबकुंवरी

પંજાબમાં પતિયાલા નામનું એક રાજ્ય છે. પંજાબમાં જમ્મુ અને કાશ્મીરથી ઊતરતો નંબર એ રાજ્યનો છે. એ ઘણું મોટું રાજ્ય છે અને એના રાજાને ૧૭ તોપોની સલામીનું માન છે. પંજાબના રાજા મહારાજાના દરબારમાં તેમની બીજી બેઠક છે.

એ રાજ્યમાં સાહેબસિંહ નામના એક રાજા થઈ ગયા છે. તેમનામાં રાજ્ય ચલાવવાની યોગ્યતા નહોતી, પરંતુ એમની બહેન સાહેબકુંવરી ઘણીજ યોગ્ય અને ચતુર હતી. પોતાના ભાઈને રાજ્યને કારભાર ચલાવવા માટે અયોગ્ય જોઈને બાઈ સાહેબકુંવરી પોતાના પતિની આજ્ઞાથી પતિયાલામાં રહીને રાજ્ય વહીવટ પોતે ચલાવવા લાગી. રાણી સાહેબકુંવરીના સુપ્રબંધથી રાજ્યની દશા ઘણી સુધરી ગઈ; સર્વ પ્રકારે રાજ્યની ઉન્નતિ થઈ અને પ્રજા પણ સુખશાંતિમાં રહેવા લાગી.

કોઈ પણ ગુણમાં સાહેબકુંવરી પુરુષો કરતાં ઊતરે એવી નહોતી. તેનામાં રાજ્યનો પ્રબંધ કરવાની જેવી યોગ્યતા હતી તેટલીજ યુદ્ધ કુશળતા અને વીરતા પણ હતી. એક વાર પોતાના પતિ સરદાર જયમલસિંહને એમના કાકાના છોકરા ફતેહસિંહે કેદ કર્યા અને તેમના રાજ્યને પોતાના કબજામાં લઈ લીધું. રાણી સાહેબકુંવરીને કાને આ વાત પહોંચી એટલે એ તરત ફોજ લઈને ફતેહગઢ પહોંચી અને સરદાર ફતેહસિંહને હરાવીને કેદમાંથી પતિને છોડાવ્યા તથા એમનું રાજ્ય પાછું અપાવ્યું.

સંવત ૧૭૯૪ માં મરાઠાઓની સેનાએ પતિયાલા ઉપર ચડાઈ કરી. કેટલાએક શીખ સરદારોને એ લોકોએ પોતાને સ્વાધીન કર્યા હતા અને હવે પતિયાલાને પણ શરણે આવવાની ખબર મોકલી હતી. મરાઠાઓ જાણતા હતા કે, પતિયાલાનો રાજ્યપ્રબંધ એક સ્ત્રીના હાથમાં છે, એટલે એને વશ કરવામાં