પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૪
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો



એજ સમયમાં શ્રીગૌરાંગદેવે ગામેગામ ભજન કરીને અનેક ભજનમંડળીઓ સ્થાપી. અનેક ચોર, લૂંટારા, પાપી અને પાખંડીને સદાચારી બનાવ્યા. ધર્મનું નામનિશાન ન જાણનાર હજારો માણસોને ઈશ્વરભક્ત બનાવ્યા. અનેક હિંદુ, મુસલમાન, ઊંચ તથા નીચ જાતિનાં મનુષ્યો એમની કૃપાથી કૃષ્ણભક્ત બન્યાં. એમની અસર એટલી બધી ફેલાઈ કે એ સમયનો નવદ્વીપનો કાજી ચાંદખાં એમની સોબતમાં રહીને કૃષ્ણભક્ત બન્યો હતો. એ દિવસોમાં કેશવભારતી નામના એક માધ્વ સંપ્રદાયના સંન્યાસી નવદ્વીપમાં આવ્યા. શ્રીગૌરાંગની સાથે એમને ઓળખાણ થયું. એમની પાસે સંન્યાસ લેવાની શ્રીગૌરાંગને ઇચ્છા થઈ અને એમને એ પોતાને ઘેર તેડી ગયા. સંન્યાસીને જોતાંવારજ શચિદેવીનો જીવ ઊડી ગયો, કેમકે એમનો મોટો છોકરો એવી રીતે સંન્યાસી થઈ ગયો હતો. શચિદેવીએ શ્રીગૌરાંગને સંન્યાસીને બોલાવવાનું કારણ સ્પષ્ટ રીતે પૂછ્યું. શ્રીગૌરાંગે ધીમે રહીને કહ્યું: “મા ! હું સંન્યાસી સાથે શ્રીકૃષ્ણકથા કહી રહ્યો હતો. એ ઘણા સારા ભક્ત છે. હું તમારી રજા વગર કોઈ કામ કરતો નથી. ભગવાન કૃષ્ણ મને ગમે ત્યાં લઈ જશે તો પણ તમારી રજા વગર નહિ જાઉં.” એ જવાબથી શચિદેવીનું મન કાંઈક શાંત થયું. વિષ્ણુપ્રિયા એ સમયે પિયેર હતાં એટલે સંન્યાસીના આવ્યા ગયાની ખબર એમને પડી નહિ.

શ્રીગૌરાંગદેવે દૃઢ સંકલ્પ કર્યો હતો કે, હવે ઘરમાં ન રહેવું. સંન્યાસાશ્રમમાં જવાનો એમણે પાકો વિચાર કરી લીધો હતો. કેશવભારતીની સાથે થયેલી વાતચીતનું એ પરિણામ હતું. એમના એ વિચારની બધાને ખબર પડતાં વાર ન લાગી. આખા નવદ્વીપમાં એની ચર્ચા થવા લાગી. શચિદેવીએ જ્યારે એ સમાચાર સાંભળ્યા ત્યારે એમના ઉપર દુઃખનો ડુંગર તૂટી પડ્યો. એ વૃદ્ધ ડોશી મૂર્છા ખાઈને પડ્યાં. શ્રીગૌરાંગના ભક્તોએ વિષ્ણુપ્રિચાને કાને પણ આ વાત પહોંચાડી. એમનું ધારવું હતું કે વિષ્ણુપ્રિયા સિવાય બીજું કોઈ એમને સંસારમાં રાખી શકે એમ નથી. વિષ્ણુપ્રિયાએ પિયેરમાં એ સમાચાર સાંભળતાંજ સાસુને દાસી સાથે ગુપ્ત રીતે કહેવરાવ્યું કે, “મને તેડવા સારૂ માણસ મોકલો.” વિષ્ણુપ્રિયાની ઉંમર એ સમયે કેવળ ચૌદ વર્ષની હતી. સાસરેથી તેડું આવતાંવારજ શુકન કે મુહૂર્ત જોવાની પણ વાટ જોયા