પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૧
અહલ્યાબાઈ



તેમણે જોયું કે, એવા સંકટના સમયમાં પણ અહલ્યાબાઈએ રાજ્ય એવી સારી રીતે ચલાવ્યું હતું કે, મલ્હારરાવ પોતે પણ એ બંદોબસ્ત રાખી શકત કે કેમ એ સંદેહ છે. અહલ્યાબાઈને લીધે ખંડેરાવની ખોટ મલ્હારરાવને સાલી નહિ.

ત્યાર પછી ચારપાંચ વર્ષ મલ્હારરાવ જીવતા રહ્યા. અહલ્યાબાઇના ઉપદેશ અને સલાહ વગર, એ કોઈ કામ કરતા નહિ. મલ્હારરાવ ઘણા મિજાજી અને ક્રોધી સ્વભાવના હતા; પણ અહલ્યાબાઈ ઉપર તેમને એટલી બધી શ્રદ્ધા હતી કે કોઇના ઉપર ગમે તેટલા ગુસ્સે થયા હોય, તો પણ અહલ્યાબાઈ જરા સમજાવે એટલે તરત શાંત થઈ જતા. મલ્હાર૨ાવના જીવનના છેલ્લા ભાગમાં રાજ્યની અંદરખાનાની વ્યવસ્થા બધી અહલ્યાબાઈના જ હાથમાં આવી હતી.

ઈ. સ. ૧૭૬૫ માં મલ્હારરાવનું મૃત્યુ થયા પછી અહલ્યાબાઈનો પુત્ર માલેરાવ ગાદીનો વારસ થયો. માલેરાવ ઘણોજ ઉચ્છ્ર્ંખલ સ્વભાવનો યુવક હતો તેની ઉચ્છ્ર્ંખલતા અને દુશ્ચરિત્રતા એટલાં બધાં વધારે હતાં, કે એના તોફાનની સંપૂર્ણ વાત સાંભળ્યા પછી એને મનુષ્ય નહિ પણ પશુ કહેવાનું મન થાય, વળી તેને દારૂ પીવાની લત લાગેલી હોવાથી હિતાહિતનું જ્ઞાન તેને મુદ્દલ નહોતું.

મદ્ય પીને એ મોટા અમલદારને સોટીએ સોટીએ મારતો. કોઈ સગુંવહાલું તેને સલાહ આપવા જાય, તો ચાકરો પાસે તેને ધક્કા મરાવીને કઢાવી મૂકતો. દેવસેવા અને બ્રાહ્મણસેવા અહલ્યાબાઇનાં મુખ્ય કર્મ હતાં; પણ માલેરાવ એ નિમંત્રિત બ્રાહ્મણને ઘણા તિરસ્કારપૂર્વક, બહુજ ઘાતકી વર્તણુંક ચલાવીને પાછા મોકલતો. વસ્ત્રોમાં તથા જોડાઓમાં વીંછીઓ મૂકી દઈને, એ વસ્ત્રો તથા જોડાઓનું બ્રાહ્મણોને દાન કરતો. કોઈ કોઈ વખત એક મોટા કળશમાં ઝેરી સાપ ભરીને, એમાંથી મરજીમાં આવે એટલા રૂપિયા કાઢી લેવા બ્રાહ્મણને કહેતો અને જ્યારે એમને એ ઝેરી જાનવરો ડંખ દેતાં, ત્યારે પોતે ઘણું મલકાતો. આવો એ નિર્દય નીવડ્યો.

સસરાના વખતમાં અહલ્યાબાઈએ જેટલા સુખ અને આનંદમાં દિવસ ગાળ્યા હતા, તેટલાજ દુઃખમાં હવે એનું આયુષ્ય વીતવા લાગ્યું. પુત્ર રાજ્યનો માલિક હતો. એને રોકવાનો