પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૨
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો



હવે તેને કોઈ અધિકાર નહોતો. હવે શું કરવું ? આવો ઘાતકી પુત્ર મરી જાય, તો પણ સારૂં એમ તેને થવા લાગ્યું.

માલેરાવનો પાપનો ઘડો પણ ભરાઈ ચૂક્યો હતો. ખોટો શક લાવીને રાજમહેલના એક કારીગરને તેણે મારી નાખ્યો. પછી જ્યારે એને ખબર પડી કે, એ નિર્દોષ હતો, ત્યારે એના હૃદયમાં અત્યંત પશ્ચાત્તાપ થવા લાગ્યો. માલેરાવ જેવા માણસને નરહત્યા માટે આટલો પશ્ચાત્તાપ થવો, એ ઘણું જ આશ્ચર્યકારક હતું; પણ વિધાતાની ઈચ્છા શી હશે, તે મનુષ્યથી કળી શકાતું નથી. એ પશ્ચાત્તાપને લીધે માલેરાવને સદા એવો ભ્રમ થયા કરતો કે, એ મરી ગયેલા કારીગરનો પ્રેતાત્મા તેને મારવા આવે છે. એ ભ્રમને લીધે માલેરાવ જે કાંઈ બોલતો, તે તેના શરીરમાં આવેલો પ્રેતાત્મા બોલે છે, એમ બધાને લાગતું.

પુત્ર ગમે તેવો દુષ્ટ, અકર્મી કે ઘાતકી હોય, પણ માતા બિલકુલ સ્નેહશૂન્ય થઈ શકતી નથી. પુત્રનાં રાક્ષસી કામો જોઈને અહલ્યાબાઈને કેટલીક વખત એમ થઈ આવતું, કે આના કરતાં તો એ મરી જાય તો પણ સારૂં; પરંતુ પુત્રની વેદના પોતાની આંખે જોયા પછી અહલ્યાબાઈથી એ દુઃખ સહન થઈ શક્યું નહિ. રાતદિવસ એ પુત્રની પથારી આગળ બેસીને, દેવીની માનતા માન્યા કરતાં અને બ્રાહ્મણો પાસે ઘણી જાતનાં ધર્મનાં અનુષ્ઠાન કરાવ્યા કરતાં. પ્રેતાત્માને સંતુષ્ટ કરવા માટે ઘણી માનતા માન્યા છતાં પણ કશાથી કાંઈ વળ્યું નહિ. માલેરાવની પીડા દિનપ્રતિદિન વધતી જ ગઈ અને આખરે તેનું મૃત્યુ થયું. સિંહાસન પર બેઠા પછી, કેવળ છ મહિના સુધી માલેરાવ જીવ્યો.

સહૃદય વાચક ! એકના એક પુત્રના મૃત્યુથી અહલ્યાબાઈને કેટલું દુઃખ થયું હશે, તેની કલ્પના તમે પોતેજ કરી શકશો. પ્રથમ તો પતિ ખંડેરાવના મૃત્યુથી જ તેમનું મન સાંસારિક સુખથી વિરક્ત થઈ ગયું હતું, તેમાં વળી સસરા મલ્હારરાવના મૃત્યુથી એ વધારે નિરાધાર બની ગયાં હતાં. કેવળ એક પુત્રનો આધાર હતો, તે પણ કપૂત નીકળીને અકાળ મોતે મર્યો. આ બધા ઉપરાઉપરી બનેલા બનાવોએ અનાથ અબળા અહલ્યાબાઈના હૃદયને ઘણોજ મોટો ઘા પહોંચાડ્યો. સંસારમાં સ્ત્રીઓને માટે પુત્રવિયોગનું દુઃખ સૌથી મોટું છે. એ શોક