પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૪
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો



સ્વભાવનો મનુષ્ય હતો. તેની દુરાકાંક્ષા હદ ઉપરાંતની હતી. પોતાની દુષ્ટ વાસના પાર પાડવાને માટે એ કોઈ પણ પ્રકારનું પા૫ કરતાં ચૂકે એમ નહોતો. ગંગાધર યશવંતે આ રઘુનાથ રાવને ખાનગી રીતે કહેવરાવી કહ્યું કે, “તમારે સૈન્ય લઈને ઈંદોર ઉપર ચડી આવવું અને અહલ્યાબાઈને પદભ્રષ્ટ કરીને હોલ્કર વંશના કોઈ બાળકને ગાદી અપાવવી.”

રઘુનાથરાવે મનમાં વિચાર કર્યો: “વાત તો ખરી છે, મલ્હારરાવ કે તેનો પુત્ર હવે હયાત નથી. અહલ્યાબાઈ અબળા છે. આવો સરસ લાગ ફરી ફરીને નહિ મળે. હમણાં ઘણી સહેલાઈથી ઈંદોર જીતી શકાશે.” આવા વિચારથી એણે ગંગાધર યશવંતની સલાહ માન્ય રાખી.

અહલ્યાબાઈને પોતાના ગુપ્તચરોદ્વારા ગંગાધરના એ પ્રપંચની ખબર પડી, ત્યારે તેમણે રાઘોબા દાદાને પત્ર લખ્યો કે, “આખું રાજ્ય મારા સસરાજીનું સ્થાપેલું છે. એમના પછી એ રાજ્યના અધિકારી મારા પતિ હતા, પણ એ તો પિતાની પૂર્વેજ સ્વર્ગવાસી થયા. ત્યાર પછી મારો પુત્ર ગાદીનો હકદાર હતો; એ પણ સ્વર્ગવાસી થયો. હવે એ રાજ્ય ઉપર મારો સંપૂર્ણ અધિકાર છે. કોઈ યોગ્ય બાળકને દત્તક લેવો કે ન લેવો, એ મારી મરજીની વાત છે. આ૫ બુદ્ધિમાન છો. આપની ફરજ છે કે, મને અબળાને કોઈ પણ પ્રકારનો અન્યાય ન કરો અને નાહક મને દબાવવી નહિ. આપ વિચારવાન છો. આ રાજ્ય આપનું જ આપેલું છે, પણ એને પાછું લેવાથી આ૫ના ગૌરવમાં ખામી આવશે. સંભવ છે કે, આપની દ્વારા ચડાઈ કરાવીને કોઈ લોભી અને પ્રપંચી માણસે પોતાનો સ્વાર્થ સાધવાની આ યુક્તિ રચી હશે; પરંતુ એવા પ્રપંચો ઉપર ધ્યાન ન આપવું, એજ આપને માટે લાભકારક છે. એમ છતાં જો આપ નીતિને તિલાંજલિ આપીને અન્યાયી પક્ષનો સ્વીકાર કરવા તૈયાર થશો, તો એનું ઉચિત ફળ ભોગવ્યા વગર રહેશો નહિ.”

પેલી તરફ ગંગાધરરાવે અહલ્યાબાઈ ઉપર એવો અપવાદ મૂક્યો કે રાજ્યલોભને વશ થઈને અહલ્યાબાઈએ પોતેજ પુત્ર માલેરાવનો વધ કરાવ્યો છે. એ દુષ્ટે અહલ્યાબાઈ જેવી પરમ પવિત્ર અને નિષ્કલંક સન્નારી ઉપર દોષારોપણ કરતાં જરાયે સંકેચ ન આણ્યો. અહલ્યાબાઈ જેવી ન્યાયપરાયણ