પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૫
અહલ્યાબાઈ



અને પુત્રવત્સલ નારીને એ અધમ આરોપની વાત સાંભળીને ઘણુંજ ખોટું લાગ્યું. એમની આંખમાંથી ચોધાર આંસુ નીકળી પડ્યાં. એ વિચારવા લાગ્યાં: “શું પુરુષો આટલા બધા સ્વાર્થી, જૂઠા અને અધમ હશે ? આખરે ધૈર્ય અને હિંમત ધરીને ઈશ્વ૨નું ધ્યાન ધર્યું અને પોતાને માથે આવી પડેલ ૨ાજકારભારનું કામ પૂર્ણ દક્ષતાથી કરવામાં તે એકચિત્ત થયાં.

અહલ્યાબાઈ દોષિત હતાં કે નિર્દોષ, એ સંબંધમાં ઈતિહાસવેત્તા માલકમ સાહેબનો અભિપ્રાય વાંચ્યાથી ખાતરી થશે. એ વિદ્વાન ગ્રંથકાર લખે છે કે, “માલેરાવના મૃત્યુના સમાચાર કેટલાક યૂરોપિયન ગૃહસ્થોને પણ મળ્યા હતા અને તેમને એમ લાગ્યું હતું કે, માલેરાવના મૃત્યુનું ખરૂં કારણ અહલ્યાબાઈ પોતેજ હતી; પરંતુ એ બધી વાતને અહલ્યાબાઇની કીર્તિની સાથે થોડો સંબંધ હોવાથી, મેં જાતે જઈને એની પૂરેપૂરી તપાસ કરી. મારી એ તપાસનું છેવટનું પરિણામ એ નિવડ્યું કે, અહલ્યાબાઈ પૂર્ણ રીતે નિર્દોષ સાબિત થઈ.”

માલેરાવના મૃત્યુ પછી રાજ્યમાં ચોર, લૂંટારા અને ધાડપાડુઓએ પ્રજાને અનેક રીતે પીડવાનું શરૂ કર્યું જેથી અહલ્યાબાઈને ઘણું દુઃખ થયું અને એ દુષ્ટોને દબાવવા માટે તેમણે અનેક પ્રયત્ન કર્યો. યશવંતરાવ નામના એક વીર મરાઠા યુવકને પોતાની પુત્રી આપીને, તેની સહાયતાથી એમણે એ અત્યાચારીની જડ પોતાના રાજ્યમાંથી ઉખાડી નાખી હતી.

એ કાર્ય પૂરૂં થયું, એટલામાં રઘુનાથ દાદાસાહેબ સૈન્ય લઈને ઈંદોર તરફ ચાલ્યા. એમણે એવું જાહેર કર્યું કે, “મલ્હારરાવની પુત્રવધૂ અમારા કહ્યા પ્રમાણે ગંગાધરરાવની સલાહ અનુસાર દત્તકપુત્ર લેવાનું કબૂલ નથી કરતી, માટે એને ઠેકાણે આણવા સારૂ હું માળવા જાઉં છું.” પણ અંદરખાનેથી એની દાનત ઈંદોરનું રાજ્ય સ્વાહા કરી જવાની હતી. પેશ્વા સરકાર એના ભત્રીજા હતા. એમને એ કાર્ય પસંદ નહોતું, આથી એમણે રઘુનાથ દાદાને ચડાઈ કરવાની સંમતિ આપી નહિ; એટલુંજ નહિ પણ સ્પષ્ટ જણાવ્યું કે, “તમે મોટી ભૂલ કરી રહ્યા છો. તમારે આ કામમાં જરા પણ માથું મારવું જોઈએ નહિ.”

અહલ્યાબાઈને આ પ્રપંચની ખબર પડી, તેજસ્વી રાણીએ તરતજ પોતાના મુખ્ય અમલદારોને બોલાવીને કહ્યું: “આ