પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો



બોજ બાંધે છે, માટે જીવો સૂતા હોય તો સારા કે જાગતા હોય તો સારા ?”

આ પ્રશ્નથી પ્રસન્ન થઈને મહાવીર પ્રભુ બોલ્યા: “જે જીવો ચારિત્ર્યધર્મને અનુસરીને ચાલતા ન હોય, જે વડીલની આજ્ઞા ન માનતા હોય, જેઓ ધર્મનો ઉપદેશ બીજાને ન કરતા હોય, ધર્મના ઉપર જેની ભક્તિ ન હોય, કુળાચારનું જે પાલન ન કરતા હોય, અનીતિ અને દુરાચારનું સેવન કરતા હોય, એવા મનુષ્યો પથારીમાં પડ્યા પડ્યા ઘોર્યા કરે એજ સારૂં; કેમકે તેઓ જાગતા રહે તો બીજા પ્રાણીઓને દુઃખનું કારણ થઈ પડે. એથી ઊલટું જેઓ સદાચારી, ધાર્મિક, પરોપકારી, સાધુસંત અને વડીલની સેવા કરનાર, નીતિ અને ધર્મને અનુસરીને ગુજરાન ચલાવનારા છે, તેઓ જાગતાજ સારા; કેમકે તેઓ જનસમાજનું તથા બીજા પ્રાણીઓનું અનેક પ્રકારે કલ્યાણ કરી શકે છે.”

ત્યાર પછી જયંતીએ પૂછ્યું: “જીવ બળવાન સારો કે નિર્બળ ?” તેનો ઉત્તર પણ ઉપર મુજબજ વિસ્તારથી સ્વામીજીએ આપીને જણાવ્યું કે, “પૂર્વે જણાવેલા પાપી જીવો દુર્બળ હોય તેજ સારૂં; કેમકે તેમના દુર્બળ હોવાથી બીજાં પ્રાણીઓ દુઃખથી બચે છે. વળી ઉપર જણાવી ગયો છું તેવા ધર્માત્મા જીવો બળવાન હોય તેજ સારૂં, કેમકે તેઓ પોતાના બળથી બધા પ્રકારના જીવનું રક્ષણ તથા કલ્યાણ કરે છે.”

જયંતીએ ફરીથી પ્રશ્ન કર્યો: “જીવો ઉદ્યમી સારા કે આળસુ ?” તેના ઉત્તરમાં સ્વામીજીએ જણાવ્યું કે, “ઉપર જણાવેલા ધાર્મિક જીવો ઉદ્યમી સારા; કેમકે તેઓ આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી, વિદ્યાર્થી, સંઘ તથા જનસમાજની સેવા કરે છે. વળી ઉપર જણાવેલા પાપી જીવો આળસુ રહે એજ સારૂં છે, કેમકે એટલો વખત તેઓ દુષ્કર્મથી નિવૃત્ત રહે છે.”

જયંતીએ જ્ઞાનને લગતા બીજા પણ પ્રશ્નોનાં સમાધાન કરાવ્યાં હતાં, તે ઉપરથી એની અસાધારણ વિદ્વત્તા અને શાસ્ત્રમાં પારંગતતાનો પરિચય મળી આવે છે.

હિંદુઓની મૈત્રેયી અને ગાર્ગીની બ્રહ્મજિજ્ઞાસાનો વારસો જૈન આર્યાઓમાં પણ પૂરેપૂરો ઊતરી આવ્યો હતો, એ જાણીને આપણને સગર્વ આનંદ થાય છે.