પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૫
યશોમતી



રાજગૃહ નગરથી ખાસ પૃષ્ઠચંપા નગરમાં યશોમતી અને તેના પુત્રને બોધ આપવા મોકલ્યા. ગૌતમ સ્વામીએ ઉપદેશ આપતાં કહ્યુઃ “સંધ્યા સમયના રંગ, પાણીના પરપોટા અને દર્ભના અગ્રભાગ ઉપર રહેલા પાણીના બિંદુ જેવું આ મનુષ્યજીવન છે અને આ યૌવન તો નદીના વેગ સમાન છે; છતાં હે પાપી જીવ ! તમે બોધ નથી પામતાં એ કેવું આશ્ચર્ચ છે ? સંપત્તિ પાણીના પૂર જેવી ચંચળ છે, યૌવન ચાર દિવસનું ચાંદરણું છે અને આયુષ્ય પણ શરદ્‌ ઋતુના મેઘ જેવું અસ્થિર છે. તો પછી ધન શા કામમાં આવશે ? હે ભવ્યજીવો ! હવે તો ધર્મનું આરાધન કરો.”

આ અસરકારક વચનો કયા સંસ્કારી જીવને સ્પર્શ કર્યા વગર રહે ? યશોમતી, તેના પતિ તથા ગાંગિલનો સંસાર ઉપરથી મોહ ઊઠી ગયો અને તેમણે ગૌતમ સ્વામી પાસે દીક્ષા લીધી.

સદાચારી અને ધાર્મિક સન્નારી પોતાની આસપાસ શુદ્ધ વાતાવરણજ ઉત્પન્ન કરે છે. સતી યશોમતીના સત્સંગની અસર એના બન્ને ભાઈ, પતિ તથા પુત્ર ગાંગિલ ઉપર સારી રીતે થઈ હતી.